*વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIM(અમદાવાદ) દ્વારા ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ વિષયક કેસ સ્ટડીઝનું લોન્ચિંગ*
*BAPSના આધ્યાત્મિક વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વરદહસ્તે ઉદ્ઘાટન*અમદાવાદ, ગુજરાત:૬૦૦ એકરમાં ફેલાયેલું ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ માત્ર ૯ મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું ?સતત ૩૫ દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશિષ્ટ અભિગમો કેવા હતા ? આ નગરમાં ૧.૨ કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું ?આવી અનેક જિજ્ઞાસાઓને સંતોષતા ત્રણ અભ્યાસપૂર્ણ કેસ સ્ટડીઝ IIM(અમદાવાદ) દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે. આ કેસ સ્ટડીઝમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા ૬૦૦ એકરના અભૂતપૂર્વ ‘નગર’ના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે.BAPSના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ૨૮ નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે IIM(અમદાવાદ)ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ, પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દીવાદાંડી સમાન બની રહેશે.IIMના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા, પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના ઊંડા સંશોધન અને વિશ્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન, સેવાભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયું છે. તે ઉપરાંત આ મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અહીંની માળખાકીય સુવિધાઓ, લોજિસ્ટિક્સ, સસ્ટેનીબીલીટી અને આવા વિશાળ પ્રકલ્પને સુગમ બનાવતી ટેક્નોલોજીની ભૂમિકાને પણ આલેખી છે.આ પહેલ એક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ છે. પૂર્વે હાર્વર્ડ યુનિવર્સિટીએ કુંભમેળા ઉપર કેસ સ્ટડી તૈયાર કરી તેને મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. તે રીતે હવે વિશ્વવિખ્યાત પ્રબંધન શાખા IIM અમદાવાદ, ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ને મેનેજમેન્ટની નજરથી દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે. જે આવનારા ભવિષ્યમાં વિશાળ કદના કોઇ પણ ક્ષેત્રના પ્રોજેકટ માટે એક આદર્શ મૉડેલરૂપ નીવડી શકે તેમ છે.આ કેસ સ્ટડીઝ હવે સૌ કોઈના લાભાર્થે IIM અમદાવાદની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ વ્યાવસાયિકો માટે નેતૃત્વ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિષયમાં આ કેસ સ્ટડીઝ દીર્ઘકાળ સુધી પ્રેરણાની પરબ સમા બની રહેશે.
કેસ સ્ટડીઝ જોવા માટેની લીંક :
* Design of a Mega Project: https://shorturl.at/yrown
* Event Scale: https://shorturl.at/8LXZ3
* Service Orientation, People Management, and Leadership: https://shorturl.at/yKhXQ
Recent Comments