fbpx
ગુજરાત

આઇસ્ક્રીમ ખાધા પછી બાળકીઓને થવા લાગી ઉલ્ટી, સારવાર દરમિયાન ત્રણેય બાળકીના મોત

સુરતના એક ગામમાંથી ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતના સમાચાર સામે આવ્યા છે. સચિનના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે. માહિતી મળી છે કે શુક્રવારે રાત્રે બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. જે પછી તેમની તબિયત લથડી હતી. બાદમાં બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન ત્રણ બાળકીઓના મોત થયા છે. સમગ્ર મામલે સુરતના મેયરે તપાસના આદેશ આપ્યા છે. શુક્રવારે રાત્રે સુરતના સચિનના પાલી ગામની ગામની બાળકીઓની તબિયત આઇસક્રીમ ખાધા પછી લથડી હતી.

માહિતી મળી છે કે આઈસ્ક્રીમ ખાધા બાદ રાત્રે પાંચ જેટલી બાળકીઓએ તાપણું કર્યું હતું. જે પછી મોંમાં ધુમાડો જતા બાળકીઓને ઉલટી થવા લાગી હતી. બાળકીઓની તબિયત લથડતા પહેલાં તેમને ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે પછી સારવાર દરમિયાન બાળકીઓનું મોત થયુ હતુ. મૃતક બાળકીઓની ઉંમર ૮, ૧૨ અને ૧૪ વર્ષની હોવાનું સામે આવ્યુ છે. જાે કે બાળકીઓ આઇસ્ક્રીમ ખાધા પછી જ બીમાર પડી કે તેમના મોત પાછળ બીજુ કોઇ કારણ છે તે હજુ સ્પષ્ટ થયુ નથી. ત્રણેય બાળકીનો પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવી શકે તેમ છે. મહત્વનું છે કે સુરતના આ એક જ ગામની ત્રણેય બાળકીઓના મોતે અનેક ચર્ચાઓ જગાવી છે. બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યા બાદ સુરતના મેયર પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. સાથે જ મૃતક બાળકીઓના પરિજનો સાથે વાતચીત કરી હતી. જે પછી મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે.

Follow Me:

Related Posts