સરકાર તાત્કાલિક સાયકલ ખરીદી કૌભાંડની તપાસ કરાવે અને ૩.૫ લાખ દીકરીઓને તાત્કાલિક સાયકલ આપે – અમિત ચાવડા
વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જીનની સરકાર બેટી પઢાવોના ખુબ મોટા સ્લોગનો આપે, પ્રજાના ટેક્ષના પૈસાથી એનો પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિ કરવામાં આવે, અને આ બંને એન્જીન એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને પણ આજે બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ગુજરાતની લગભગ ૩.૫ લાખ દીકરીઓને ઘરેથી શાળાએ જવા માટે સાયકલ આપી શકતી નથી. એની પાછળનું કારણ એ જ છે કે સરકારની પોતાની યોજનાઓ કે ધોરણ ૯માં અભ્યાસ કરતી દીકરીઓ ઘરેથી શાળાએ જાય એટલા માટે “સરસ્વતી સાધના યોજના” છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સમાજની ગરીબ દીકરીઓને સાયકલ આપવા માટે સરકારે સત્ર ચાલુ થાય ત્યારે જુન ૨૦૨૩માં સાયકલ આપવાની હતી. એના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઇ, સાયકલ ખરીદવા માટેના ટેન્ડરમાં પણ વિલંબ થયો. એની પાછળનું એક જ કારણ હતું કે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની સીધી સુચનાથી પોતાની માનીતી કંપનીઓને કોન્ટ્રાકટ અપાવવા માટે, ચૂંટણીમાં જેની પાસેથી મોટું ફંડ લેવાનું હશે તેની પાસે “ચંદા દો ધંધા લો”ના નિયમ મુજબ ભાજપની જે કાર્યપદ્ધતિ છે એ મુજબ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો, એના સ્પેસીફીકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો, સાયકલના સ્પેસીફીકેશન અને ગુણવત્તા બાબતની SPSPC છે એને ઓવરરુલ કરી ડાયરેક્ટ ટેન્ડર કરવામાં આવે છે. ટેન્ડર પછી જે એજન્સી નક્કી કરવામાં આવી છે, કંપની અને કોન્ટ્રાકટ આપવામાં આવે છે એ બીજા રાજ્યો કરતા ૫૦૦ રૂપિયા વધારે ચૂકવીને એ કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરવામાં આવે છે. ૧ લાખ ૭૦ હજાર સાયકલ અને ૫૦૦ રૂપિયા ગણીએ તો લગભગ ૮ કરોડ કરતા વધારેની રકમ ચૂકવીને સરકાર શું કામ સાયકલ ખરીદી હશે? કારણ કે ચૂંટણીમાં મોટું ફંડ મળ્યું હશે. એ ખરીદવાના ઓર્ડર આપ્યા પછી એપ્રિલ ૨૦૨૪માં સાયકલની ડીલીવરી આવે ત્યારે EQDC ગાંધીનગર દ્વારા સાયકલની ગુણવતા બાબતની એના સ્પેસીફીકેશન મુજબ, ટેન્ડરની કંડીશન મુજબ ચકાસણી કરવામાં આવે છે. એમાં સ્પષ્ટ માલુમ થાય છે કે, હલકી ગુણવત્તાવાળી, સ્પેસીફીકેશન મુજબ ન હોવાની અને આઈ.એસ.આઈ. માર્કના ધોરણો છે ને પરિપૂર્ણ ન કરતી હોવાની હલકી ગુણવત્તાવાળી સાયકલો કંપનીએ સપ્લાય કરી છે. EQDC દ્વારા જેને ચકાસણીમાં ફેલ કરવામાં આવે છે. ત્યારથી આજદિન સુધી સાયકલો હજારોની સંખ્યામાં જિલ્લાઓમાં ધૂળ ખાઈ રહી છે, દરેક જીલ્લામાં ભંગાર હાલતમાં છે.
આ બાબતે પહેલા પણ સરકારને લેખિત રજુઆતો કરી અને ૧૬, જુલાઈ ૨૦૨૪માં પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયું છે અને લગભગ ૮ થી દસ કરોડ રૂપિયાનું કૌભાંડ છે તેવી અમે સરકારને તપાસની માંગણી કરી હતી. સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એવી જાહેરાત કરી હતી કે, સરકાર આને ગંભીરતાથી લેશે અને તાત્કાલિક એની તપાસ કરાવીશું. આજે ઋષિકેશભાઈને પૂછવું છે એ વાતને લગભગ ૬ મહિના જેટલો સમય થયો હજુ સુધી તપાસ કેમ નથી કરવામાં આવી? શું છુપાવવા માંગો છો? કોને બચાવવા માંગો છો? કૌભાંડના પૈસા પાછા ના આપવા પડે એના માટે છુપાવો છો? વિલંબ કરો છો? અને ત્યાર પછી ૩૦ જુલાઈના રોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો, ૯ ડિસેમ્બરે ફરીથી મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક તપાસ કરવા પત્ર લખ્યો અને તાત્કાલિક દીકરીઓને સાયકલ મળે તે માટેની કાર્યવાહી કરો. પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હમણા માહિતી મળી છે કે સરકાર દ્વારા ભંગાર હાલતમાં, હલકી ગુણવત્તાવાળી સાયકલો જીલ્લા કક્ષાએ પડી છે એ સાયકલોને રંગ-રોગાન કરી દીકરીઓને પધરાવી દેવાનું એક વ્યવસ્થિત આયોજન થઇ રહ્યું છે.
આથી મીડિયાના માધ્યમથી ગુજરાતના વાલીઓને, શાળા સંચાલકોને, શાળાના વડાઓને જણાવવાનું કે ગુજરાતની પ્રજાના ટેક્ષના પૈસાથી ખરીદેલી સાયકલો છે, યોગ્ય ગુણવત્તાવાળી, સ્પેસીફીકેશન મુજબની સાયકલો સરકારે આપવી જ પડે અને એમાં જો કૌભાંડ કે ભ્રષ્ટાચાર થયો હોય એના ભોગે હલકી ગુણવત્તાવાળી ભંગાર હાલતમાં છે એવી સાયકલો આપવામાં આવે તો સ્વીકારતા નહિ, અને ક્યાય કોઈ દબાણ કરવામાં આવે કે ફરજ પાડે તો અમારો સંપર્ક કરજો એના માટે અમે પુરેપુરી કાર્યવાહી કરીશું. અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે, કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો છે. જો તમે દુધે ધોયેલ હોય, સાચા હોય તો તાત્કાલિક તપાસ કરાવો, તપાસ કરી હોય તો એનો રીપોર્ટ જાહેર કરો અન્યથા ભંગાર હાલતવાળી સાયકલો કોઈને પણ આપવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ એનો સખત વિરોધ કરશે અને સાથસાથે સરકારને કહેવા માંગીએ છીએ કે આ તો ૨૦૨૩-૨૪ના વર્ષની સાયકલો છે, ૨૦૨૪-૨૫નું વર્ષ પણ અડધું પૂર્ણ થયું, આ બંનેની લગભગ ૩.૫ લાખ દીકરીઓ સાયકલથી વંચિત છે. આથી તાત્કાલિક યોગ્ય ગુણવત્તાવાળી નિયમ મુજબની સાયકલ આપવામાં તેવી કાર્યવાહી કરવામાં આવે અને તમારા કૌભાંડ-ભ્રષ્ટાચારને કારણે, તમારી સરકારની ઢીલી નીતિને કારણે આજે ૩.૫ લાખ દીકરીઓ ઘરેથી શાળાએ ચાલતા જવા માટે મજબુર છે, હેરાન-પરેશાન થઇ રહી છે એનું શિક્ષણ બડી રહ્યું છે. સરકાર તાત્કાલિક આ કૌભાંડની તપાસ કરાવે અને ૩.૫ લાખ દીકરીઓને તાત્કાલિક સાયકલ મળે એવી કાર્યવાહી કરે એવી માંગણી કરીએ છીએ.
Recent Comments