fbpx
અમરેલી

ગુજરાતનાં ગૌરવશાળી રાજવી, સ્વતંત્રતા સેનાની દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈની આજે જન્મ જયંતિ 

અમરેલી અનોખા રાજા, અનોખા દરબાર : દરબાર ગોપાળદાસ સને ૧૯૨૧માં ગાંધીજીની હાકલને ઝીલીને, ક્ષણનો પણ વિલંબ કર્યાં વિના સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝુકાવનાર ગોપાળદાસ દરબારની ૧૯ ડિસેમ્બરના રોજ જન્મજયંતી છે. એ સમયે ગોપાળદાસ દરબાર ઢસા અને રાય-સાંકળીના તાલુકદાર તરીકે વહીવટ કરતા હતા. ગાંધીજીની હાકલ માત્રથી ચાલીસ હજારની આવક જતી કરીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝુકાવનાર એ સમયના તેઓ એકમાત્ર રાજવી હતા. લેઉઆ પટેલ જ્ઞાતિના હોવા છતા તેઓ ઢસા (હાલનું ગોપાલગ્રામ, જિ. અમરેલી) અને રાય-સાંકળીના રાજવી હતા. પોતાની રૈયતમાં તેઓએ પ્રગતિશીલ, બાહોશ, હિંમતવાન અને પ્રજાવત્સલ રાજવી તરીકેનું માનભર્યું સ્થાન મેળવ્યું હતું.

તેમની અટક દેસાઈ હતી. ગોપાળદાસ અંબાઈદાસનો જન્મ સને ૧૮૮૭ની ૧૯મી ડિસેમ્બરના રોજ નડિયાદ પાસેના વસોમાં થયો હતો. મોસાળ વસોમાં દત્તક લેવાયા હોવાથી નાનાના અવસાન પછી તેઓ ઢસા, રાય-સાંકળી અને વસોની જાગીરના માલિક બન્યા હતા. પ્રથમ પત્ની ચંચળબાનું નિધન થતા તેઓએ સને ૧૯૧૨માં લીંબડીના દીવાન ઝવેરભાઈ નાથાભાઈ દેસાઈની પુત્રી ભક્તિબા સાથે બીજાં લગ્ન કર્યાં હતા. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા, સમાજસુધારક મોતીભાઈ અમીને ગોપાળદાસનું ઉમદા ઘડતર થાય એ માટે ખૂબ મહેનત કરી હતી. ગોપાળદાસને આદર્શ રાજવી બનાવવામાં એમનો સિંહફાળો રહ્યો હતો.   

ગોપાળદાસ રાજકુમાર થયા કે, તરત જ તેઓને વઢવાણ ખાતેની રાજાઓ માટેની શિક્ષણસંસ્થા “ગરાસિયા કૉલેજ, વઢવાણ કૅમ્પ”માં દાખલ કરી દેવામાં આવ્યા હતા. ગોપાળદાસ પોતે સ્વદેશી વસ્તુઓના આગ્રહી હોવાથી અહીં તેમને પ્રિન્સિપાલ સ્પ્રીટ સાથે અવારનવાર સંઘર્ષ થતો. વડોદરા ખાતે તેમનું માધ્યમિક શિક્ષણ અને કૉલેજ-શિક્ષણ થયું હતું. પણ, સને ૧૯૧૧માં તેઓ જાગીરના માલિક બન્યા  એટલે તેમને કૉલેજ- શિક્ષણ અધવચ્ચે છોડવાની ફરજ પડી હતી.

 વસોના દરબાર અંબાઈદાસને કોઈ સંતાન નહીં એટલે તેમણે પોતાની બહેન સમજુબાના દીકરા ગોરધનને દત્તક લીધો. ભાણેજને વારસ જાહેર કરી તેમણે ગોપાળદાસ નામ આપ્યું. અંબાઈદાસના અવસાન પછી સને ૧૯૧૧માં ગોપાળદાસે વિધિવત રીતે રાજ્યનો કારભાર સંભાળી લીધો. એ રીતે સૌરાષ્ટ્રનું ઢસા અને રાય-સાંકળી તેમના તાબામાં આવ્યું. ગોપાળદાસે જ્યારે ઢસા અને રાય-સાંકળીનું સુકાન સંભાળ્યુ ત્યારે, રાજ્યનો વિસ્તાર બાર ચોરસ માઇલનો હતો અને વસતિ માત્ર ૧૫૦૦ લોકોની હતી.રાજા બનતાની સાથે જે તેમણે જાહેર કર્યું હતું કે, “રાજ્યમાં દરેક વ્યકિત વિના સંકોચે તેમનો સીધો સંપર્ક કરી શકે છે.”

  રાજ્ય સંભાળ્યા પછી દરબાર ગોપાળદાસ પ્રજાની સાથે એવી રીતે જીવ્યાં કે, પ્રજા એમને અપારપણે ચાહવા લાગી. રાજાના કાર્યોની લોકચાહના એટલી વધી કે સને ૧૯૧૬થી સને ૧૯૨૧ના સમયગાળામાં બહારથી લોકો આવીને વસવા લાગ્યા. પરિણામે રાજ્યની વસતી ૧૫૦૦થી વધીને ૨૨૦૦ની થઈ ગઈ. સમાજના તમામ વર્ગ અને જાતિના લોકો સમરસતાથી રહે અને અસ્પૃશ્યતા દૂર થાય એ હેતુથી તેમણે એ સમયે બધાને સાથે રાખીને દાંડીયા-રાસ રમવાનું શરૂ કરાવ્યું હતું. એક સદી પહેલા આમ કરવું ક્રાંતિકારી પગલું હતું.

   વડોદરા ખાતેના કૉલેજના અભ્યાસ દરમ્યાન તેઓ શ્રી અરવિંદના સંપર્કમાં આવેલા. “ફ્રીમેસન” સંસ્થાના તેઓ સભ્ય હતા, છતાં તેમણે ભારતીય સંસ્કાર અને ખમીરને કદી છોડ્યાં ન હતાં. તેમના પર મહાત્મા ગાંધીજીના વિચારોની ઊંડી છાપ પડી હતી. પરિણામે તેઓ રાજવીમાંથી પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિ બની ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટિશ સરકારે ભારતના દરેક રાજવી પાસેથી યુદ્ધ માટેનો ફાળો ફરજિયાત ધોરણે ઉઘરાવ્યો હતો. દરબાર ગોપાળદાસે આ ફાળો આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. 

     “ટિળક સ્વરાજ ફાળા” માટે ગાંધીજી વઢવાણ આવેલા ત્યારે જાહેરસભામાં ગાંધીજીએ ફાળા માટે ટહેલ નાખી હતી . આ સમયે તાલુકદાર હોવા છતાં દરબાર ગોપાળદાસે હિંમતથી આ સભામાં હાજરી આપીને ગાંધીજીની ઝોળીમાં રત્નજડિત સોનાનો કિમતી તોડો આપી દીધો હતો. આ જોઈ ગાંધીજીએ તેમને બોલાવીને શાબાશી આપી હતી. ગુલામીના પ્રતીક સમાન તોડાને ફેંકી તેમણે બ્રિટિશ સરકારની વફાદારી પણ ફગાવી દીધી હતી. મુંબઈના ગવર્નર રાજકોટ આવેલા ત્યારે, દરબારસાહેબ તેમને મળવા ગયા ન હતા. ખેડા જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખની રજા વિના તેઓ આવી શકશે નહિ અને આવશે તો પણ ખાદીનાં કપડાંમાં જ આવશે એવું નીડરતાપૂર્વક જણાવી દીધું હતું. સાથે ઉમેર્યું હતું કે, ગાંધીજીની ન્યાયી માંગણી ન સ્વીકારવા બદલ બ્રિટિશ સરકારની તેઓ ટીકા કરશે. તેમનું આવું વર્તન સરકારને અપમાનજનક લાગ્યું એટલે સને ૧૯૨૨ની ૧૭ મી જુલાઈના રોજ બ્રિટીશ સરકારે તેમની જાગીર જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. બસ, ત્યારથી દરબારસાહેબ તાલુકદાર મટીને આઝાદીની લડતમાં પૂર્ણ સમયના સૈનિક બની ગયા હતા.

    દરબાર ગોપાળદાસે પોતાના શાસન દરમ્યાન ખેડૂતો માટે ગણોતનિયંત્રણ, ખેડે એની જમીન, વેઠ નાબૂદી જેવા સુધારાઓનું અમલીકરણ કર્યું હતું અને ખેડૂતોનાં દેવાં માફ કર્યાં હતાં. પોતાના નાનકડા તાલુકામાં મફત પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. સને ૧૯૧૫માં વસોમાં મૉન્ટેસોરી પદ્ધતિનું બાલમંદિર શરૂ કરાવ્યું હતું. તેમણે નડિયાદમાં “વિઠ્ઠલ કન્યાવિદ્યાલય” અને રાજકોટમાં “વલ્લભ કન્યાવિદ્યાલય”ની સ્થાપના કરી હતી. આઝાદી પૂર્વે ગુજરાતમાંની દેશી રિયાસતોમાં પ્રજામંડળોની ચળવળમાં ગોપાળદાસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઝાદી પછી ભારતીય સંઘમાં દેશી રિયાસતોના વિલીનીકરણમાં પણ દરબાર ગોપાળદાસે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે જ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. વળી, જૂનાગઢના નવાબે ભારતીય સંઘમાં જોડાવાની ના પાડી ત્યારે, તેની સામે આરઝી હકૂમતની સ્થાપનામાં કરવામાં દરબાર ગોપાળદાસે મજબૂત ભૂમિકા ભજવી હતી.

   અસ્પૃશ્યતાનિવારણ ઝુંબેશમાં  કવિશ્રી ન્હાનાલાલના પ્રમુખપદે, તેઓએ “અંત્યજ પરિષદ” ભરી હતી. પાટીદાર કોમમાં ગોળપદ્ધતિ, પૈઠણ, પડદાપદ્ધતિ, બાળલગ્ન, વૈધવ્ય જેવા કુરિવાજોને દૂર કરવા માટે પણ તેઓએ ઝુંબેશ ચલાવી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એમણે પ્રાણ પૂર્યા હતા. બોરસદ નગરપાલિકા અને ખેડા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. ભારતની બંધારણ સભાનું સભ્યપદ અને વડોદરા રાજ્ય પ્રજામંડળ તથા કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખનું પદ તેમણે શોભાવ્યું હતું. તેમણે સ્વરાજની લડતનાં બધાં આંદોલનોમાં ભાગ લીધો હતો. ગાંધીજી અને સરદાર પટેલની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓએ સદા સક્રિય ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીજીએ તેમને “દરબાર”નું બિરુદ આપ્યું હતું. 

    રાજમોહન ગાંધી પોતાના પુસ્તક “પ્રિન્સ ઓફ ગુજરાત, ધ એક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરી ઓફ પ્રિન્સ દરબાર ગોપાળદાસ દેસાઇ : 1887-1951” માં નોંધે છે કે, “આઝાદી મળવાના થોડાં મહિનાઓ પહેલા જ અંગ્રેજોએ દરબાર ગોપાળદાસને તેમનું રાજ્ય પરત કર્યું હતું, પણ દરબાર ગોપાળદાસને હવે રાજ્યમાં રસ નહોતો. એમણે પોતાનું રાજ્ય આઝાદ ભારતમાં વિલીન કરી દીધું હતું અને જમીન સુધારણા થકી સૌરાષ્ટ્રમાં રક્તવિહીન ક્રાંતિના તેઓ પ્રેરકબળ બન્યા હતા.”

થ્રી ડૉટ્સ 

Follow Me:

Related Posts