fbpx
ગુજરાત

સુરતમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટનામાં ઘરકંકાસને કારણે એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, સુરત ઓલપાડના મોટા હળપતિવાસમાં રહેતા ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડ અને તેમની પત્ની લક્ષ્મીબેન રાઠોડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. નાની-નાની વાતો પર બંને વચ્ચે તકરાર થતી હતી. આજે સવારે આ તકરાર વધુ ઉગ્ર બની હતી અને ધનસુખભાઈએ ગુસ્સામાં આવીને લક્ષ્મીબેન પર કુહાડી વડે હુમલો કરી દીધો હતો.

૧૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વહેલી સવારે ઘરમાં સંતોનો સૂતાં હતાં, એ દરમિયાન બેડરૂમમાં રહેલી પોતાની ૪૩ વર્ષીય પત્ની લક્ષ્મી રાઠોડ પર ધારદાર કુહાડીના ઘા ઝીંકી દેતાં તેઓ બેડમાં જ પડી ગયાં હતાં અને અસહ્ય દુખાવાથી પીડાઈને બૂમો પાડી રહ્યાં હતાં. આ દરમિયાન માતાની બૂમો સાંભળી તેમની ૨૫ વર્ષીય દીકરી તેજલ આવી જતાં ધનસુખભાઈ રૂમમાં કુહાડી ફેંકી ઘરની બહાર ભાગી ગયા હતા. ઘટના બન્યા બાદ ધનસુખભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા અને નજીકની પાણીની ટાંકી પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. જ્યારે લક્ષ્મીબેનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘરકંકાસ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાે કોઈ પરિવારોમાં હિંસા થઈ રહી હોય તો પીડિત વ્યક્તિએ કાનૂની મદદ લેવી જાેઈએ. આવી દુઃખદ ઘટનાઓને રોકવા માટે સમાજમાં સહકાર અને સંવાદ જરૂરી છે.

Follow Me:

Related Posts