સાવરકુંડલા ધાર અને પિયાવા ગામ વચ્ચે આવેલ બિસ્માર રસ્તાનો વિરોધ, સરકારનું ધ્યાન ખેંચવા માટે અનોખો વિરોધ, સત્યનારાયણની કથાથી ગુંજી ઉઠ્યો સમગ્ર વિસ્તાર
સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા ગામ વચ્ચે આવેલ પાંચ કિલોમીટરનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં, ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું પરંતુ હજુ સુધી આ રોડ બન્યો નથી. ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અનોખો વિરોધ કરીને સત્યનારાયણની કથા કરી હતી. સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા ગામો વચ્ચેનો પાંચ કિલોમીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તાની દયનીય સ્થિતિને કારણે ગ્રામજનોને રોજબરોજની જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને ખેડૂતોને પોતાના પાક માર્કેટમાં લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. આ રસ્તાની મંજૂરી અને ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કર્યું હતું, પરંતુ હજુ સુધી આ રસ્તાનું કામ શરૂ થયું નથી.
આથી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સરકારનું ધ્યાન ખેંચવા માટે એક અનોખો વિરોધ કર્યો છે. તેમણે રસ્તા પર જ સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. આ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકારને રસ્તો બનાવવાની માંગણી કરી હતી. પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, “આ રસ્તો મંજૂર થયો છે અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. પરંતુ આજદિન સુધી રસ્તો બન્યો નથી. આથી, મેં સરકારનું ધ્યાન ખેંચવા માટે આ અનોખો વિરોધ કર્યો છે. આ રસ્તો બનવો એ ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાત છે અને આપણે સૌએ મળીને સરકારને આ મામલે જાગૃત કરવી જાેઈએ. “ધાર અને પિયાવાના ગ્રામજનોએ પણ પ્રતાપ દુધાતના આ પગલાને સમર્થન આપ્યું છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, “અમે ઘણી વખત રસ્તાની સમારકામની માંગણી કરી છે, પરંતુ કોઈ સાંભળતું નથી. આશા છે કે, આ વિરોધના કારણે સરકાર આ મામલે કાર્યવાહી કરશે.” આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. હવે જાેવાનું એ રહેશે કે, સરકાર આ બિસ્માર રસ્તાની સમારકામ માટે ક્યારે પગલાં ભરશે. છેલ્લા ઘણા સમયથી ધાર અને પિયાવા ગામના લોકો આ બિસ્માર રોડને નવો બનાવવાની માંગણી કરી રહ્યા છે આજે અલગ રીતે સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે હવે જાેવાનું એ રહેશે આ રસ્તો ક્યારે બનશે.
Recent Comments