રાષ્ટ્રીય

દલ્લેવાલની બગડતી તબિયત પર સુનાવણી, SC કહ્યું- પંજાબ સરકારના પ્રયાસોથી સંતુષ્ટ નથી

ખાનુરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત દલ્લેવાલના આમરણાંત ઉપવાસ મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચે સુનાવણી કરી છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. પંજાબ સરકારે કહ્યું કે જાે દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો ખેડૂતો વિરોધ કરી શકે છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે માંગણીઓ માટે આંદોલન કરવું એ લોકતાંત્રિક રીત છે પરંતુ કોઈને હોસ્પિટલ લઈ જવાથી રોકવા માટે આંદોલન કરવાનું ક્યારેય સાંભળ્યું નથી. આ આત્મહત્યા માટે ઉશ્કેરવા જેવું છે. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ઠપકો આપતા કહ્યું કે પહેલા તમે સમસ્યાઓ બનાવો અને પછી કહો કે તમે કંઈ કરી શકતા નથી.

કોર્ટે પંજાબ સરકાર વતી હાજર રહેલા વકીલને કહ્યું કે એવું લાગે છે કે તમે એફિડેવિટ દ્વારા ખેડૂતોના મંતવ્યોનું સમર્થન કરી રહ્યા છો. આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું કે અમને એવા ખેડૂતોના ઈરાદા પર શંકા છે જેઓ દલ્લેવાલને મેડિકલ સહાય પૂરી પાડવામાં અવરોધ લાવી રહ્યા છે. દલ્લેવાલને હોસ્પિટલમાં લઈ જવાનો વિરોધ કરનારાઓ સામે પણ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેવા ખેડૂત નેતા છે જેઓ દલ્લેવાલનું મોત ઈચ્છે છે. તેમના પર દબાણ દેખાઈ રહ્યું છે. કોર્ટે કહ્યું કે તે દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવાના પંજાબ સરકારના પ્રયાસોથી સંતુષ્ટ નથી. કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે જાે દલ્લેવાલને ટ્રાન્સફરમાં મદદની જરૂર હોય તો તેમને મદદ કરવી. પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી ૩૧ ડિસેમ્બરે ફરી શરૂ થશે. તમને જણાવી દઈએ કે દલ્લેવાલ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી માટે કાયદો બનાવવાની માંગને લઈને ખાનુરી બોર્ડર પર ૩૩ દિવસથી ભૂખ હડતાળ પર છે. ગઈકાલે ૨૭ ડિસેમ્બરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર પાસેથી દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવાના પ્રયાસો અંગે રિપોર્ટ માંગ્યો હતો.

Related Posts