માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો

“બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે” ઃ માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે શનિવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે કેટલાક લોકો બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે. અમે તે સમાચાર જાેયા છે. અમને ખબર નથી કે તેને આ માહિતી ક્યાંથી મળી. ખલીલે કહ્યું,”આ અહેવાલ નકલી, ખોટો અને પાયાવિહોણો છે. આ અહેવાલમાં કોઈ સત્યતા નથી. માલદીવ્સ અને ભારત બંને સરકાર સમજે છે કે અમે અમારી વચ્ચે સારા અને મજબૂત સંબંધો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ”. અબ્દુલ્લા ખલીલ ભારતના પ્રવાસે છે. તેઓ શુક્રવારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન ભારત અને માલદીવ્સ વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની વાત થઈ હતી.
જયશંકરે કહ્યું કે ભારત હંમેશા માલદીવ્સની સાથે ઊભું રહ્યું છે. ભારતે શુક્રવારે આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો અને વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું-“તમે તેમની પ્રવૃત્તિમાં પેટર્ન જાેઈ શકો છો. તેમના પર વિશ્વાસ કરવો કે નહીં તે હું તમારા પર છોડી દઉં છું. જ્યાં સુધી અમારો સંબંધ છે, અમે માનીએ છીએ કે તેની કોઈ વિશ્વસનીયતા નથી”. ૩૦ ડિસેમ્બરના રોજ પ્રકાશિત વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે માલદીવ્સમાં યોજાયેલી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. મોદી સરકાર ઇચ્છતી હતી કે ભારત તરફી ઇબ્રાહિમ સોલિહ ચૂંટણી જીતે. જ્યારે મુઈઝ્ઝુએ ચૂંટણી જીતી ત્યારે મોદી સરકારે એક ભારત તરફી નેતાને માલદીવ્સના રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રયાસ કર્યો.
એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સી ઇછઉએ માલદીવ્સના વિપક્ષી પક્ષના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુને હટાવવા અંગે ચર્ચા કરી હતી. વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો કે તેની પાસે ડેમોક્રેટિક રિન્યુઅલ ઇનિશિયેટિવ નામના કેટલાક દસ્તાવેજાે છે. મુઈઝ્ઝુને સત્તા પરથી હટાવવાની યોજના છે. રિપોર્ટ અનુસાર મુઈઝ્ઝુને સત્તા પરથી હટાવવા માટે ૪૦ સાંસદોને લાંચ આપવાની યોજના બનાવવામાં આવી હતી. તેમાં મુઈઝ્ઝુની પાર્ટીના સાંસદો પણ છે. રિપોર્ટ અનુસાર, સાંસદો સિવાય સેના અને પોલીસના ૧૦ વરિષ્ઠ અધિકારીઓ અને કેટલાક અપરાધી ગેંગને પણ પૈસા આપવાની યોજના બનાવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, કાવતરાખોરોએ આ માટે ૫૧ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. વૉશિંગ્ટન પોસ્ટે માલદીવ્સના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ રકમ ભારત પાસેથી માંગવાની હતી. જાેકે, માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિપક્ષી પાર્ટીના નેતા મોહમ્મદ નશીદે પણ આ અહેવાલને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ આવા કોઈ ષડયંત્રથી વાકેફ નથી અને ભારત આવા ષડયંત્રને ક્યારેય સમર્થન આપશે નહીં. તેમણે કહ્યું કે ભારત ક્યારેય આવું પગલું નહીં ભરે, કારણ કે તે હંમેશા માલદીવ્સના લોકતંત્રનું સમર્થન કરે છે. ભારતે ક્યારેય અમારા પર શરતો લાદી નથી.
Recent Comments