હમાસે ત્રણ બંધકો છોડયા, ગાઝામાં યુદ્ધવિરામનો અંતે અમલ
મધ્ય-પૂર્વમાં રવિવારે આખરે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મોડો-મોડા યુદ્ધવિરામનો અમલ થયો હતો. ગાઝા પટ્ટીમાં ત્રણ ઈઝરાયેલી મહિલા બંધકોને છોડી મુકવામાં આવી હતી, જેમને રેડ ક્રોસની ટીમ લઈને ઈઝરાયેલ પહોંચી હતી. આ પહેલાં હમાસે કયા બંધકોને છોડાશે તેની યાદી નહીં આપતા ઈઝરાયેલે યુદ્ધવિરામનો અમલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને ગાઝા પર હવાઈ હુમલો કરતાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતા. જાેકે, હમાસે અંતે ત્રણ બંધકોની યાદી સોંપ્યા પછી જ ઈઝરાયેલે સવારે ૯.૧૫ કલાકે યુદ્ધ વિરામનો અમલ કરતાં ગાઝા પટ્ટીમાં ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધનો અંત આવ્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ લે તે પહેલાં જ રવિવારે આખરે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો અમલ થઈ ગયો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે રવિવારે સવારે યુદ્ધવિરામનો અમલ થવાનો હતો, પરંતુ હમાસે છોડી મુકવામાં આવનારા બંધકોની યાદી ઈઝરાયેલને નહીં સોંપતા તેમણે યુદ્ધવિરામના અમલનો ઈન્કાર કરી દીધો હતો અને ગાઝા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા,
જેમાં ૧૦ પેલેસ્ટાઈનવાસીઓના મોત નીપજ્યાં હતા. ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે હમાસે જાહેરાત કરી કે ત્રણ મહિલા બંધકોને રવિવારે જ છોડવામાં આવશે. આ સાથે તેમણે ત્રણ મહિલાઓની યાદી પણ ઈઝરાયેલને સોંપી હતી, જેને પગલે ઈઝરાયેલે હુમલા બંધ કરી દીધા હતા. આમ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા કરાર મુજબ રવિવારે સવારે ૬.૩૦ના બદલે ત્રણ કલાકના વિલંબથી ૯.૧૫થી યુદ્ધ વિરામનો અમલ શરૂ થયો હતો. હમાસે ઈઝરાયેલને યાદી સોંપવામાં વિલંબ માટે ટેકનિકલ કારણોને જવાબદાર ઠેરવ્યા હતા. હમાસે જણાવ્યું કે, કેદીઓની અદલા-બદલીની સમજૂતી મુજબ અઝેદીન અલ-કસ્સામ બ્રિગેડે ઈઝરાયેલની ત્રણ મહિલા બંધકો રોમી ગોનેન, એમિલી દમારી અને ડોરોન સ્ટીનબ્રેચરને છોડી મુકી હતી. ગાઝા સિટીના સરયા સ્ક્વેર પર ભારે ભીડ અને હમાસના હથિયારબંધ ગનમેનની હાજરી વચ્ચે ત્રણેય બંધકોને રેડક્રોસને સોંપવામાં આવી હતી.
રેડક્રોસના કાર્યકરો બંધકોને લઈને ઈઝરાયેલ પહોંચ્યા હતા, જ્યાં સૌથી પહેલાં તેમનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું. આ સાથે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પહેલો અવરોધ દૂર થયો છે. ઈઝરાયે અને હમાસ વચ્ચે થયેલી સમજૂતી મુજબ યુદ્ધવિરામનો પહેલો તબક્કો છ સપ્તાહ સુધી ચાલશે, જેમાં હમાસ ઈઝરાયેલના ૩૩ બંધકોને છોડશે. બીજીબાજુ પહેલા દિવસે ઈઝરાયેલ પણ તેની જેલોમાં કેદ ૯૦ પેલેસ્ટાઈનવાસીઓને છોડી મુકશે. યુદ્ધવિરામના અમલ સાથે અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જાે બાઈડેને કહ્યું હતું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ વિરામ સાથે ગાઝામાં ૧૫ મહિના પછી બંદુકો શાંત થઈ ગઈ છે. હમણાં જ ફોન કોલ આવ્યો, જેમાં કહેવાયું કે ઈઝરાયેલની ત્રણ મહિલા બંધકોને છોડી મુકાઈ છે. ગયા વર્ષે મે મહિનામાં મધ્ય-પૂર્વ માટે જે સોદો રજૂ કર્યો હતો તેનો અંતે અમલ થઈ ગયો. બાઈડેને ઉમેર્યું કે, આગામી સાત દિવસમાં વધુ ચાર મહિલાઓને છોડી મૂકવામાં આવશે. ત્યાર પછી દરેક સાત દિવસમાં વધુ ત્રણ બંધકોને છોડાશે, જેમાં ઓછામાં ઓછા બે અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. યુદ્ધ વિરામના બીજા તબક્કામાં ઈઝરાયેલના સૈનિકોને છોડવામાં આવશે અને હમાસના સત્તામાં આવવા અથવા ઈઝરાયેલને ધમકી આપવામાં સક્ષમ થયા વિના યુદ્ધનો સ્થાયી અંત લાવવા અંગે વાટાઘાટો કરાશે.
Recent Comments