fbpx
રાષ્ટ્રીય

અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથ, હજારો લોકો સમર્થન-વિરોધમાં રસ્તા પર ઊતર્યા

અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૪૭મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં રાજધાની વોશિંગ્ટનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિત કેટલીક સંસ્થાઓ પીપલ્સ માર્ચના બેનર હેઠળ એક મંચ પર આવી હતી અને તેમણે ઈમિગ્રેશન સહિતની ટ્રમ્પની નીતિઓ સામે દેખાવો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૧૭માં પહેલી વખત પ્રમુખપદના શપથ લીધા ત્યારે પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. બીજીબાજુ ટ્રમ્પે રવિવારે તેમના સમર્થનમાં યોજાયેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીને સંબોધન કર્યું હતું. રાજધાની વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ ખાતે ૭૮ વર્ષના રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લઈને ૮૨ વર્ષના જાે બાઈડેનના ઉત્તરાધિકારી બનશે. અગાઉ વીમેન્સ માર્ચ તરીકે ઓળખાતી પીપલ્સ માર્ચના બેનર હેઠળ વર્ષ ૨૦૧૭થી પ્રત્યેક વર્ષે દેખાવો યોજવામાં આવે છે. ટ્રમ્પ વિરોધી પોસ્ટર અને બેનરો દર્શાવતા દેખાવકારોએ નવા પ્રમુખ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સહિત ટ્રમ્પના કેટલાક સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ જ ગૂ્રપે રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે જાન્યુઆરી ૨૦૧૭માં પણ તેમનો વિરોધ કર્યો હતો. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે ત્રણ વિવિધ પાર્કમાં શ્રેણીબદ્ધ દેખાવો શરૂ થયા હતા અને તેઓ લિંકન મેમોરિયલ નજીક એકત્ર થયા હતા. પીપલ્સ માર્ચે જણાવ્યું હતું કે, સામુહિક વિરોધ અમારી કોમ્યુનિટીસની તાકત દર્શાવવાની સૌથી અસરકારક રીત છે. અમે ફાસીવાદ સામે ઝૂક્યા નથી. વોશિંગ્ટન ડીસીમાં આ રેલીઓ અને દેખાવો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે યોગાનુયોગ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ સમારંભ માટેના વીકએન્ડ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દેખાવો યોજનારી સંસ્થાઓમાં એબોર્શન એક્શન નાઉ, ટાઈમ ટુ એક્ટ, સિસ્ટર સોંગ, વીમેન્સ માર્ચ, પોપ્યુલર ડેમોક્રસી ઈન એક્શન, હેરિએટ્‌સ વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ, નાઉ, પ્લાન્ડ પેરેન્ટહૂડ, નેશનલ વીમેન્સ લો સેન્ટર એક્શન ફંડ, સિએરા ક્લબ અને ફ્રન્ટલાઈનનો સમાવેશ થાય છે. આ સંગઠનો દ્વારા વોશિંગ્ટન ડીસી ઉપરાંત ન્યૂયોર્ક, સીએટલ અને શિકાગો જેવા અન્ય શહેરોમાં પણ નાના પાયે વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવ્યા હતા.

દરમિયાન હજારો લોકોના વિરોધ વચ્ચે ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ સમારંભ પહેલાં રવિવારે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ વન અરેના ખાતે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીમાં જાેડાયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં ટ્રમ્પે ૬ જાન્યુઆરી ૨૦૨૧માં તેમના પરાજયના વિરોધમાં સમર્થકોને કેપિટોલ હિલ કબજે કરવાની હાકલ કરી હતી. આ ઘટના પછી ટ્રમ્પે પહેલી વખત આ સ્થળ પર તેમના સમર્થકોને સંબોધન કર્યું હતું. આ રેલીને ઈલોન મસ્ક અને ચૂંટાયેલા ઉપપ્રમુખ જેડી વાન્સ, અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપના સીઈઓ ડેના વ્હાઈટ, કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી ર્કિક અને કન્ઝર્વેટીવ ટેકેદાર મેગન કેલીએ પણ સંબોધન કર્યું હતું. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પ્રમુખપદે શપથ લીધા પછી કોઈપણ સમય બગાડયા વિના પહેલા જ દિવસે ૧૦૦થી વધુ આદેશો પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી લીધી છે. આ આદેશોમાં મોટાભાગે ટ્રમ્પના ચૂંટણી વચનોને પૂરા કરવાનો આશય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રમુખપદે શપથ લીધા પછી પહેલાં જ દિવસે વિક્રમી સંખ્યામાં આદેશો પર હસ્તાક્ષર કરવાની તેમની યોજના છે. ટ્રમ્પના સહયોગીઓમાંના એક સ્ટીફન મિલરે જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા દિવસે દક્ષિણની સરહદ સીલ કરવા, ગેરકાયદે વસાહતીઓની સામૂહિક હકાલપટ્ટી, મહિલાઓની રમતોમાં ટ્રાન્સજેન્ડર્સને દૂર કરવા, એનર્જી એક્સ્પ્લોરેશન પરના પ્રતિબંધો દૂર કરવા અને સરકારની કાર્યક્ષમતામાં સુધારા સહિતના આદેશો પર હસ્તાક્ષર કરશે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પહેલાં ૬ જાન્યુઆરીએ યુએસ કેપિટોલ હિલ પર હુમલામાં કાયદાકીય એજન્સીઓએ ધરપકડ કરેલા ટ્રમ્પના સમર્થકોને માફી આપવાના આદેશો પર પણ હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts