fbpx
અમરેલી

લીલીયાના ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ નારોલાની ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અનોખી કમાલ

અમરેલીના લીલીયા તાલુકાના ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ નારોલા છેલ્લાં ૧૧ વર્ષથી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે.

શ્રી ભરતભાઈએ ૪૭ વીઘા જમીનમાં ઉંચી જાતના બંસી ઘઉંનું વાવેતર કર્યુ છે સાથે દેશી બાજરો, દેશી મરચા, ડુંગળીનું બિયારણ તૈયાર કરવા માટે બુંધેલ એક્ષ્પોર્ટ જાતના બીજનું પણ વાવેતર કર્યું છે.

રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિ ઇન્પુટ્સ સહાયનો પણ લાભ પ્રાપ્ત કરે છે તેવા શ્રી ભરતભાઈ નારોલા કહે છે કે, હવે ખેડૂતોએ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી જરુરી બની છે. શૂન્ય ખર્ચની ખેતી યોગ્ય પદ્ધતિ સાથે કરવામાં આવે તો ચોક્કસ મબલખ ઉત્પાદન અને મબલખ કમાણી પ્રાપ્ત કરી શકાય છે સાથે જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના હિમાયતી એવા શ્રી સુભાષ પાલેકર પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરીને વર્ષ-૨૦૧૨માં શ્રી ભરતભાઈએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી હતી. પોતાના અનુભવોના આધારે તેમણે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ખેડૂતે સતત પાક ફેરબદલી કરવી અનિવાર્ય છે. એકદળી અને દ્વિદળી પાકનું વાવેતર યોગ્ય પદ્ધતિ સાથે કરવું જોઈએ સાથે તૈયાર થયેલ પાક લઈ લીધા બાદ ખેતરમાં તેના અવશેષોને સળગાવવા નહિ, કીટ નિયંત્રણ માટે દશપર્ણી અર્ક તૈયાર કરીને તેનો ઉપયોગ કરવો (દશપર્ણી અર્ક માટે એવી વનસ્પતીની પસંદગી કરવી કે જેના પાંદડા પર કીટ જોવા ન મળે.) માર્કેટમાં પાકનું સારુ વેચાણ કરવા માટે તૈયાર પાકનું ક્લીનીંગ અને પેકેજિંગ યોગ્ય રીતે કરવું.

આમ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ સારી કમાણી કરવા માટે ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવું ખૂબ જરુરી છે. દેશી ખાતરનો ઉપયોગ, ઘન જીવામૃત સહિતનો ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરના લીધે જમીન પ્રદૂષિત બને છે અને ફળદ્રુપતા ઘટે છે. જેથી આવા ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ ક્યારેય ન કરવો જોઈએ, તેમ પ્રગતિશીલ ખેડુત શ્રી ભરતભાઇ જણાવે છે.

શ્રી ભરતભાઈએ પોતાની જમીનમાં ઉંચી જાતના બંસી ઘઉંના બિયારણનું વીઘે ૧૦ થી ૧૨ કિ.ગ્રા. વાવેતર કર્યું છે. આ ઘઉંના છોડની ઉંચાઇ લગભગ ૪ ફૂટ સુધી થાય છે અને આ પદ્ધતિ પ્રમાણે વાવેતર કરવામાં આવે તો ઘઉંના છોડ ઢળી જતાં નથી કારણ કે તેના મૂળ મજબૂત હોય છે. વીઘા દીઠ ૩૫ થી ૪૦ મણ ઘઉંનો ઉતારો આવે છે અને માર્કેટમાં મણદીઠ રુ.૧૫૦૦ જેટલા ઉંચા ભાવે વેચાણ થાય છે. શ્રી ભરતભાઈએ અન્ય પાકનું પણ વાવેતર કર્યું છે. તેઓ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી વાર્ષિક રુ.૧૫ થી ૨૦ લાખની આવક પ્રાપ્ત કરે છે, તેમ વધુમાં શ્રી ભરતભાઇ ઉમેરે છે. 

વધુમાં તેમણે જણાવ્યુ કે, “ઝેર ખાવું નથી, ઝેર ખવડાવવું નથી”ની ઉમદા વિચારધારા દરેક ખેડૂત અપનાવે, પ્રાકૃતિક કૃષિ આજના સમયની પ્રમુખ માંગ છે. સૌ ખેડૂતોએ સ્વસ્થ ભારતના નિર્માણમાં યોગદાન આપવા આગળ આવે તે આવશ્યક છે. શ્રી ભરતભાઈ નારોલા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેમણે પરંપરાગત ખેતી કરતાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહ્વાન કર્યું હતુ.

ગુજરાતના ખેડૂતોના હાથમાં હવે એન્ડ્રોઈડ મોબાઇલ ફોન છે. પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈએ તો પોતાના ખેતરમાં સોલાર ઉર્જાથી સંચાલિત સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેના થકી તેઓ પોતાના ખેતરમાં ઉપસ્થિત ન હોય તો પણ પોતાના ખેતરની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકે છે, ગુજરાતમાં ખેડૂતો હવે ખેતીક્ષેત્રમાં પણ ડિજિટલ ક્રાંતિ લાવવા માટે પ્રયત્નશીલ છે.

ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ગાયનું છાણ (ગોબર), ગોળ, ચણાનો લોટ, પાણી યોગ્ય માત્રામાં મિશ્રણ કરીને જીવામૃત બનાવવામાં આવે છે. ઉપરાંત ખાટી છાશ, ગોળ, પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરીને ગૌ અમૃતમ બેક્ટેરિયા તૈયાર કરવામાં આવે છે. સાથે દશપર્ણી અર્ક બનાવીને તેનો ઉપયોગ ખેતીમાં દેશી ખાતર, કીટનાશક તરીકે કરવામાં આવે છે. જેના થકી પ્રાકૃતિક કૃષિમાં જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદન વધે છે.

ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ સતત વધે તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને જરુરી યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે.

Follow Me:

Related Posts