ભાવનગર

ભાવનગર શહેરમાં સ્થાવર મિલકતની તબદીલી, કાર્યપધ્ધતિ અને બજવણીમાં સરળીકરણ કરાયું

ગુજરાત અશાંત ધારા-૧૯૯૧ હેઠળ ભાવનગર શહેરમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારમાં આપવામાં આવતી પરવાનગીઓની કાર્યપધ્ધતિ અને બજવણીમાં પારદર્શકતા લાવી સરળીકરણ કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલીઓ અંગે પૂર્વ પરવાનગી માટે પ્રતિ માસ અંદાજે ૧૦૦૦ થી વધારે અરજીઓ પ્રાંત કચેરી, ભાવનગર ખાતે સ્વીકાર કરવામાં આવે છે. આ અરજીઓના સ્વિકાર બાદ પ્રાંત કચેરી, ભાવનગર દ્વારા નિયમોનુસાર ચકાસણી કરીને આપવામાં આવતી પરવાનગીના હુકમો અરજદારશ્રી કે અધિકૃત વ્યકિતને આપવાની પ્રથા અમલમાં હતી. જેથી દર માસે ૧૦૦૦ થી વધુ લોકોને અરજી આપવા તથા હુકમો સ્વિકારવા માટે ૨ કે તેથી વધુ વાર અત્રેની કચેરીએ મુલાકાત લેવી પડે છે. જેથી નાગરિકોનો સમય, શકિત અને નાણાનો વ્યય થતો હતો.

આથી આ બાબત ધ્યાને લઇ પ્રાંત કચેરી, ભાવનગર ખાતે મળતી તમામ અરજીઓ પૈકી સમાન ધર્મની મિલકત તબદીલીઓની આપેલ પરવાનગીના હુકમો દરેક સબ રજીસ્ટ્રાર કચેરીને સીધા મોકલી આપવામાં આવશે. તથા નાગરીકોએ કચેરી ખાતે અરજી કર્યાના ૧૦ દિવસ બાદ bhavnagar.gujarat.gov.in/ashant-dhara ની વેબસાઇટ પરથી અને નીચે જણાવેલ QR CODE પરથી ઘરે બેઠા હુકમની નકલ વિનામૂલ્યે મેળવી શકશે. ભાવનગર શહેરના નાગરીકોને ખાસ જણાવાયું છે કે, સમાન ધર્મના કિસ્સાની સ્થાવર મિલકતની તબદીલીને લાગુ પડશે પરંતુ અલગ- અલગ ધર્મના કિસ્સામાં આ બાબત લાગુ પડશે નહી. નાગરિકો દ્વારા પ્રાંત કચેરી ખાતે સમાન ધર્મની સ્થાવર મિલકતની તબદીલી અરજી કર્યાના ૧૦ દિવસ બાદ મિલકત તબદીલીનો પરવાનગી હુકમ ઘરે બેઠા નીચે જણાવેલ QR CODE થી વિનામૂલ્યે મેળવી શકશે. આ વ્યવસ્થાથી નાગરિકોને ફેસલેસ, પેપરલેસ અને કોસ્ટલેસ સવલતનો લાભ પ્રાપ્ત થશે.

Follow Me:

Related Posts