રાષ્ટ્રીય

કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી

કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે એક નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટી અધિકારીઓ પાસેથી આ બાબતે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ફરીથી આદેશ આપી રહ્યા છીએ કે આ પ્રકારનું કોઈપણ પગલું અમારા આદેશનું ઉલ્લંઘન હશે. જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે ડીએમ સહિત તમામ જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે તિરસ્કાર કરનારા અધિકારીઓને બક્ષવામાં આવશે નહીં.

આ સમગ્ર મામલા ની વાત કરીએ તો, કુશીનગરમાં મદની મસ્જિદનો એક ભાગ આ મહિનાની શરૂઆતમાં બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. કારણ બતાવો નોટિસ જારી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે શા માટે તેમની સામે કોર્ટના અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જાેઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આગામી આદેશો સુધી આ સ્ટ્રક્ચર તોડી શકાશે નહીં.

૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ઉત્તર પ્રદેશમાં કુશીનગરની મદની મસ્જિદ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટીતંત્રે મદની મસ્જિદના ગેરકાયદેસર ભાગોને તોડી પાડ્યા હતા. આ ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો અને વિપક્ષે યોગી સરકાર પર જાેરદાર નિશાન સાધ્યું હતું. મસ્જિદ તોડી પાડવાનો આદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મીનુ સિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઈશારે રાજ્યમાં પરસ્પર દુશ્મનાવટ ફેલાવવામાં આવી રહી છે.

અજય રાયે કહ્યું હતું કે, પહેલા બહરાઇચ પર, પછી સંભલ પર અને પછી કુશીનગરની મદની મસ્જિદ પર બુલડોઝર ચલાવવાનુ કામ આ જ ઇરાદાને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હતું. ૮મી ફેબ્રુઆરીએ હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર પૂરો થતાની સાથે જ વહીવટીતંત્રએ બીજા દિવસે રવિવારે રજાના દિવસે બુલડોઝર દોડાવી દીધું હતું.

Follow Me:

Related Posts