સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ભયાનક આગ: કરોડોનું નુકસાન અને વેપારીઓ મુશ્કેલીમાં : શક્તિસિંહ ગોહિલ

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ એટલે કે કપડાની દુકાનો આવેલી હોય એવી માર્કેટ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડીંગ ભસ્મીભૂત થયું છે. ૯૦૦ જેટલા વેપારીઓ એક અંદાજ મુજબ આ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનો ધરાવતા હતા. લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે. એકતરફ ટેક્સટાઈલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓ પાસે ઘણો સ્ટોક ભરાયેલો પડ્યો હતો અને એવા સમયે આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી છે કે આ નાના-નાના વેપારીઓ છે, બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય ત્યારે સરકાર આવા સમયે એ વેપારીઓ કે જેમનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે તેવા વેપારીઓની પડખે ઊભી રહે. આપણા કાયદાઓમાં, જુની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે, જ્યારે આવી આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે સરકાર તેમને સહાય આપે છે . સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે, શરૂઆતમાં ૧-૩૦ વાગ્યાના સમયે આગ લાગી, સાંજ સુધી ફાયરબ્રિગેડની મહેનત થઈ અને આગ કાબુમાં આવી ગઈ એવું માની લેવામાં આવ્યું. ધુમાડો થોડો નીકળતો હતો, વેપારીઓ સાથે વાત મુજબ , ખરા અર્થમાં પૂરતી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી ન થઈ હોત. અધિકારીઓ આગ હવે કાબુમાં આવી ગઈ છે તેમ કરીને જતા રહ્યા, નિષ્કાળજી રાખી અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી અને પરિણામે એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટાપાયે નુકસાન થયું છે.
અમને જાણવા મળ્યા મુજબ માન. વડાપ્રધાનશ્રી રોડ-શો કરવા માટે સુરત પધારી રહ્યા છે ત્યારે માન. વડાપ્રધાનશ્રીને પણ હૃદયપૂર્વક વિનંતી કે, આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાખ થઈ છે ત્યાં થોડા સમય માટે મુલાકાત કરજો, આ સુરતના વેપારીઓ સાથે વાર્તાલાપ કરજો અને નેશનલ ડીઝાસ્ટર રીલીફ ફંડ જે છે તેમાંથી પણ આ વેપારીઓને રાહત મળે તે માટેની વ્યવસ્થા કરજો.
સુરતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. ફાયરબ્રિગેડની તૈયારીઓ અને સાધનો ટાંચા હોય છે. ભૂતકાળમાં આપણે જોયું હતું કે, તક્ષશિલા વખતે પણ સીડી એટલી નહોતી કે ઉપરના માળ સુધી પહોંચી શકાય. આપણી આર્થિક રાજધાની જેવું સુરત શહેર કે જ્યાં લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા હોય ત્યારે તેમની સલામતી માટે જ વ્યવસ્થા બરાબર ન થાય તે યોગ્ય નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ આપણને વિદેશી હુંડિયામણ કમાવી આપે છે અને અનેક લોકોને એમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. સુરતની પરિસ્થિતિ છે એમાં ૨૯ મે, ૨૦૧૪માં પુણા-કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં આ જ રીતે ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને ત્રણ દિવસ સુધી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને સંપૂર્ણ નુકસાન થયું હતું. ત્યારબાદ જાન્યુઆરી, ૨૦૨૦માં સારોલી રોડ ઉપર પુણા-કુંભારિયા ખાતે રઘુવીર સીલીયમ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી અને આખું માર્કેટ બળીને ખાખ થઈ ગયું હતું. આ પહેલી ઘટના નથી. જ્યાં-જ્યાં ટેક્સટાઈલની કે જ્વલનશીલ કાપડ કે બીજી વસ્તુઓ રહેતી હોય ત્યાં આગોતરું આયોજન આપણે કરવું જોઈએ. એક-બે ઘટના પછી આપણે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ તો વિકાસશીલ દેશોમાં ફાયર કંટ્રોલ કરવા માટે કદાચ ક્યાંક આગ લાગી જાય તો એ આગ વિશાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે આગોતરું આયોજન થતું હોય છે તેવું આગોતરું આયોજન આપણે કેમ ન કરી શકીએ ? આપણું આગોતરું આયોજન હોવું જોઈએ.
એક અધિકારીએ માહિતી આપી કે, આવા પ્રકારના જે સિન્થેટિક કાપડ હોય કે ઝડપથી સળગી ઊઠતું કાપડ હોય ત્યારે પાણીનો મારો કરતી વખતે એમાં એક કેમિકલ એડ કરવું જોઈએ, જેનાથી ફોમયુક્ત પાણી જાય તો આવા જ્વલનશીલ પદાર્થોની આગને ઝડપથી કાબુમાં લઈ શકાય. ફોમયુક્ત પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું અને એના કારણે ફાયરબ્રિગેડના અધિકારીઓ-કર્મચારીઓ જહેમત લેતા હતા તેમાં પૂરતી વ્યવસ્થા નહોતી. લિફ્ટ-ક્રેન દ્વારા પાણીનો પ્રવાહ ઉપર પહોંચાડવાની જે વ્યવસ્થા હોય તેમાં પણ ક્યાંકને ક્યાંક પૂરતી વ્યવસ્થા નહોતી. તો હું ગુજરાત સરકારને, ભારત સરકારને વિનંતી કરીશ કે બંને જગ્યાએ એક જ પક્ષની ભારતીય જનતા પક્ષની સરકાર છે ત્યારે આ ઘટનાની અનદેખી ન કરવામાં આવે, પૂરતી રાહત આપવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા ગુજરાતમાં ન બને તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવે. માન. મુખ્યમંત્રીશ્રી અને માન. વડાપ્રધાનશ્રીને પણ વિનંતી છે કે, રાજકીય કાર્યક્રમો અને બીજું બધું ચાલ્યા કરતું હોય છે, પરંતુ લોકો જ્યારે તકલીફમાં છે ત્યારે ત્યાં આપ તાત્કાલિક પહોંચીને રાહત મળે તે માટેની વ્યવસ્થા કરશો. કોંગ્રેસ પક્ષની સ્થાનિક આગેવાનોની સ્થળ પર ગયેલી અને લોકોને જે મુશ્કેલી પડે છે તેનો તાજો ચિતાર મેળવીને મારી સાથે વાત કરેલી અને ફરી એક ટીમ પણ ત્યાં જે લોકો છે તેમના પ્રશ્નો સાંભળીને જવાબદાર વિરોધપક્ષ તરીકે સરકાર સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશે. સરકારને ક્યાંય પણ જે મુશ્કેલીમાં આવ્યા છે તે લોકોને રાહતની કામગીરીમાં અમારી જરૂર હશે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સ્વયંસેવક બનીને તેમાં મદદરૂપ બનશે.
Recent Comments