અમરેલી

પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત – ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકિય સુવિધાના નિર્માણ માટે રુ. ૧.૨૦ લાખ સુધીની સહાય

 રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જરુરી જીવામૃત-ઘન જીવામૃત, બીજામૃત, પાક સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવા માટે દેશી ગાય એ પાયાની જરુરિયાત છે. દેશી ગાય ન રાખી શકતા હોય કે દેશી ગાય ન હોય ત્યારે અસરકારક રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ ખેતી થઇ શક્તિ નથી. આવું ન બને તે માટે રાજય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધાના નિર્માણ માટે યોજના અન્વયેની જરુરી વિગતો મુજબ, સખી મંડળો અથવા ખેડૂત ગ્રુપને ૫૦ ટકા સુધીની સહાય રુ.૬૦,૦૦૦ની મર્યાદામાં મળવાપાત્ર થશે. જેમાં જીવામૃત બનાવવા માટે HDPE ટાંકી ૫,૦૦૦ લિટરની ક્ષમતાની બનાવવાની રહેશે. ઘન જીવામૃત બનાવવા માટે પાકું મજબૂત ૨૦૦ ચોરસ ફુટનું ભોંયતળિયું બનાવવાનું રહેશે. ઉપરાંત પ્લાસ્ટિકના ૨૦ લીટરના ૨૦ કેરબા, ૫ નંગ ડોલ ટોકર અને ૧ નંગ સ્ટરર વગેરે માળખાકીય સુવિધાઓને સાંકળી લેવાની રહેશે.

ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ કે એફપીઓએ પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત- ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે ૧૦,૦૦૦ લિટરની ક્ષમતા વાળી ટાંકી, ૪૦૦ ચોરસ ફૂટનું પાંકુ ભોંયતળિયું વગેરે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું. આ માટે ૫૦ ટકા અથવા રુ. ૧.૨૦ લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્યના ખેડૂતોને જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે. વધુ જાણકારી માટે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા પ્રોજેકટની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts