ગુજરાત

વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા કૉંગ્રેસની વિધાનસભા અધ્યક્ષને રજુઆત:

● વિધાનસભામાં થતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ (LIVE) ન કરી સરકાર શું છુપાવવા માંગે છે ? – અમિત ચાવડા
● ૩૦ વર્ષના શાસનની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચી જશે એ વાતનો ભાજપને ડર છે જેથી વિધાનસભાનું જીવંત પ્રસારણ નથી થતું – અમિત ચાવડા
● દેશના ૨૮ રાજ્યો ની વિધાનસભાઓ અને લોકસભા-રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ (LIVE સ્ટ્રીમ) થતું હોય છે તો ગુજરાતમાં કેમ નહી ? – અમિત ચાવડા
● રાજ્ય સરકારનું માહિતી ખાતું પણ વિપક્ષના વિડીઓ-સમાચારો માટે ભેદભાવ અને અન્યાયપૂર્ણ રીતે કામ કરે છે.- અમિત ચાવડા
દેશના ૨૮ રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થતું હોય અને માત્ર ગુજરાત વિધાનસભામાં જ જીવંત પ્રસારણ (LIVE) થતું ન હોવા મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ ગૃહના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીને લેખિતમાં પત્ર સ્વરૂપે રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગૃહમાં પણ રજુઆત કરીને જણાવ્યું હતું. શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીને રજુઆત કરી હતી કે રાજ્યના વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહી થાય છે એ લોકો સુધી પહોંચવી જોઈએ, દેશના ૨૮ રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે, લોક સભા – રાજ્યસભાનું પણ જીવંત પ્રસારણ થાય છે.

વિધાનસભા ગૃહમાં હાજર મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોરતા શ્રી અમિત ચાવડાએ અધ્યક્ષશ્રીને સંબોધન કર્યું હતું કે આપણે અહીં છુપાવવા જેવું કઈ છે નહીં, જેથી દરેક સભ્યને રજૂઆતના વિડિયો મળે. આ ગૃહમાં લાંબા સમયથી સભ્યોની રજૂઆત રહી છે કે ગૃહમાં પ્રજાના પ્રશ્નોની જે કઈ રજૂઆત થાય છે ચર્ચા થાય છે તેના વીડિયો એ લોકોને મળવા જોઈએ, પરંતુ એ બાબતે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

શ્રી અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારના માહિતી ખાતા ધ્વારા લોકશાહીના ધબકારાના નામે માત્ર સરકારની વાહવાહીના જ અંશો દર્શાવામાં આવે છે.ચોક્કસ લોકોનાજ વીડિયો મળે, એક જ તરફી રજુઆત લોકો સુધી પહોંચે અને લોકશાહીના ધબકારા ધ્વારા જે માહિતી પ્રિન્ટ, વિડિયો, ઇલેક્ટ્રોનિક મીડિયા સુધી પહોંચે છે એમાં પણ અન્યાય થાય છે, પક્ષપાત થાય છે. એમાં પણ એક જ તરફી વર્ઝન જતું હોય છે. આ લોકશાહીના ધબકારા સમાચાર રૂપે નહી પરંતુ પૈસા ખર્ચીને બતાવવામાં આવે છે. આ લોકશાહીના ધબકારામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની રજુઆતો હોતી નથી કે રાજ્ય મુદ્દે થયેલ ગંભીર વિષયની ચર્ચાઓ. સરકારના ગૃહ મંત્રીના વિડિઓ મુદ્દે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ધ્યાનમાં આવ્યું કે એક મંત્રી ધ્વારા પોતાનું વિધાનસભાનું પ્રવચન પોતાના સોશીયલ મીડિયામાં મૂકવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીએ ૧૧૬ ની નોટીસમાં જે જવાબ આપ્યા એ વિડિઓ પ્રસારિત કરવામાં આવ્યો પણ ૧૧૬ અંગેની નોટિસ આપનાર કોંગ્રેસ પક્ષની રજુઆત લોકો સુધી ન પહોંચી.

અંતમાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે અમારી માંગણી છે કે ગુજરાતની જનતા સાચી હકીકતો જોઈ શકે – જાણી શકે તે માટે વિધાનસભા ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે અને ધારાસભ્યોને પોતાના પ્રવચનો- ચર્ચાના વિડીઓ આપવામાં આવે.

Follow Me:

Related Posts