જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ક્લાઇમેટ ચેઇન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ક્લાઇમેટ ચેઇન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સની બેઠક યોજાઈ હતી.
અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ આ બેઠકમાં, ઉનાળાની ઋતુ-હિટવેવના સમયગાળા દરમિયાન લેવાનાં થતા પગલા, લૂ લાગવાના કિસ્સાઓ અંગે અગમચેતીના પગલા, ક્લાઇમેટ ચેઇન્જ અને કુદરતી આફતો તેમજ આગામી ચોમાસાની ઋતુની આગોતરી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉનાળો તેમજ આગામી ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ શાખાઓને હાથ ધરવાની કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ દિશાનિર્દેશ આપ્યા હતા.
આરોગ્ય શાખાને ઉનાળાની ઋતુ દરમિયાન હિટવેવની સંબંધિત અસરોને ધ્યાને લેતા આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો પૂરતો જથ્થો, ઓ.આર.એસ., આઇસપેક સહિતની જરુરી સામગ્રી ઉપલબ્ધ રહે અને બાંધકામની સાઇટ પર કામ કરતા શ્રમિક મહિલાઓના બાળકો માટે ક્રેચની સુવિધા ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા તેમજ ખેડૂતો અને પશુપાલકોએ અનુસરવાની થતી માર્ગદર્શિકાનો પ્રચાર-પ્રસાર થાય તે માટે પશુપાલન અને ખેતીવાડી શાખાને ઘટતી કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ સૂચના આપી હતી.
ઉનાળાની ઋતુમાં ઠંડાપીણાના વિક્રેતાઓ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવે અને ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસણી નિયમિત રીતે થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રને વિવિધ નગરપાલિકા વિસ્તારમાં કામગીરી કરવા માટે જણાવ્યું હતું.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જોશીએ બેઠકના એજન્ડા તેમજ વિવિધ શાખા-કચેરીઓને કરવાની થતી કામગીરી વિશે વિગતો જણાવી હતી.
ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે લૂ લાગવા સહિત આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે જે વધુ પડતી ગરમી આરોગ્ય માટે હાનિકારક છે.
લૂ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધે છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા (સન સ્ટ્રોક)થી બચવા યોગ્ય પગલાઓ ભરવા આવશ્યક છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી વધુ માત્રામાં પરસેવો થાય છે, તેના લીધે શરીરનું તાપમાન ઘટી શકતું નથી.
શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો થવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જવા સહિતની અસરો વ્યક્તિને અનુભવાઇ છે. આરોગ્ય પર થતી આ વિપરીત અસરોથી બચવા યોગ્ય પગલાઓ લેવાના રહે છે.
બને ત્યાં સુધી ગરમીમાં બહાર જવાનું ટાળવું. ઉનાળાની ઋતુ દરમિયાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ બને ત્યાં સુધી તડકામાં ફરવું નહી. દિવસ દરમ્યાન પુષ્કળ માત્રામાં પાણી અને લીંબુ શરબત જેવા પ્રવાહી પીતા રહેવું.
ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને આવશ્યકતા જણાય ત્યારે ભીના કપડાથી શરીરને અવાર-નવાર લુછતું રહેવું. ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. માથાનો દુઃખાવો થવો, બેચેની થવી, ચક્કર આવવા, ઉબકો કે તાવ આવે તો નજીકના દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર વિના વિલંબે તરત લેવી.
આ બેઠકમાં આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સહિતના સંબંધિત શાખા-કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments