ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે આયોજિત ‘વંદે આયુકોન-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો
છેલ્લાં ૧૦ વર્ષમાં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર ૨.૮૫ બિલિયન ડૉલરથી વધીને ૨૪ બિલિયન ડૉલર થયું: આયુષ મંત્રાલયના સચિવ શ્રી રાજેશ કોટેચા
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા અમદાવાદ ખાતે ‘વંદે આયુકોન-૨૦૨૫’માં ઉપસ્થિત વૈદ્યોને સંબોધન કરતાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે.
મંત્રીશ્રી પટેલે કહ્યું કે આપણાં ઘરના રસોડામાં રહેલો મસાલાનો ડબ્બો પણ આયુર્વેદનો ખજાનો જ છે. આયુર્વેદનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને એટલે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડૉક્ટર તરીકે ઓળખાવવાના બદલે વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જાેઈએ તેમ તેમણે સૂચવ્યું હતું.
આયુર્વેદ શબ્દનું મહત્ત્વ સમજાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે આયુ એટલે ઉંમર અને વેદ એટલે વિજ્ઞાન. આ દૃષ્ટિએ આયુર્વેદ એ માત્ર રોગોના નિદાન માટે જ નહીં, પરંતુ જીવન જીવતાં શીખવે છે. આ એક એવું વિજ્ઞાન છે, જે સાઇડ ઈફેક્ટ વિના સારવાર આપે છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યોગ અને આયુર્વેદને વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે – આયુર્વેદ અને યોગને બ્રાન્ડ બનાવ્યાં છે. વડાપ્રધાનશ્રી દ્વારા પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ ઝૂંબેશનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે આયુર્વેદ પણ એક મા છે. તેના પ્રત્યે વિશ્વાસ વધારવાની જવાબદારી સૌ આયુર્વેદ ચિકિત્સકોની છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રી પટેલે આયુર્વેદ યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સંશોધન કરવા પર ભાર મૂકવા જણાવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે કૌશલ્યમાં પણ વધારો થાય.
આ તકે ઉપસ્થિત કેન્દ્રના આયુષ મંત્રાલયના સચિવ શ્રી રાજેશ કોટેચાએ સમગ્ર કાર્યક્રમને આયુર્વેદના મિનિકુંભ સાથે સરખાવતાં કહ્યું કે સૌએ સાથે મળીને ભવિષ્ય માટે ચિંતન અને મનન કરવાનો આ અવસર છે. તેમણે જણાવ્યું કે છેલ્લાં દસ વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૫ ટકાથી વધીને આશરે ૫૦ ટકા સુધી પહોંચી છે.
આ અંગે કરવામાં આવેલા સરવે અનુસાર ૨૦૧૪માં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર ૨.૮૫ બિલિયન ડૉલર હતું, જે વર્ષ-૨૦૨૪ વધીને ૨૪ બિલિયન ડૉલર સુધી પહોંચ્યું છે. જ્યારે નિકાસમાં સાડા ત્રણ ગણો વધારો થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને રાજ્યમાંથી પસંદ થયેલા ૧૧ શ્રેષ્ઠ આયુર્વેદિક ક્લિનિકોને ‘બેસ્ટ ક્લિનિક-૨૦૨૫’ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તદુપરાંત, ૫૦૦ જેટલા ચિકિત્સકોને નિ:શુલ્ક ક્લિનિક ઓપીડી સોફ્ટવેર પણ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ૧૫૦૦થી વધુ તબીબો હાજર રહ્યા તથા અન્ય ૨૫ હજારથી વધુ આયુર્વેદિક તબીબો ઓનલાઇન સહભાગી થયા હતા.
આ પ્રસંગે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના પ્રમુખ ડૉ. સંજય જીવરાજાણી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મુકુલ પટેલ, ડૉ. જયેશ પરમાર, ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર, ડૉ. અતુલ પંડ્યા, બાન લેબ્સના મૌલેશ ઉકાણી સહિત બહોળી સંખ્યામાં આયુર્વેદના પ્રેક્ટિશનર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments