અમરેલી

સાવરકુંડલા પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે

સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન પરશુરામ દાદા ના પ્રાગટ્ય મહોત્સવ નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને વૈદિક પરંપરા નો મહિમા ગાતો ઉત્સવ આગામી તા. ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ બ્રહ્મપુરી ખાતે યોજાશે, જે સેવા નો સંગમ બની એક અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવશે.
આ ભવ્ય અને દિવ્ય પ્રાગટ્ય મહોત્સવ માં વિવિધ  સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજ માટે પ્રેરણાદાયી રહેશે. આ મહોત્સવના કાર્યક્રમમાં ભગવાન શ્રી પરશુરામ દાદા નું ભવ્ય વૈદિક પૂજન યોજાશે, જેમાં મંત્રોચ્ચાર અને શ્રદ્ધા ભક્તિનું અનુપમ વાતાવરણ સર્જાશે. તેમજ સાંજે ૫:૩૦ કલાકે: સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ શોભાયાત્રામાં રજવાડી રથ, અતિ આધુનિક લાઇટિંગ, ડીજે અને આકર્ષક ફ્લોટ્સ શહેરની શોભા માં અભિવૃદ્ધિ કરશે. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બ્રહ્મ કન્યાઓ દ્વારા સમાજ સુધારણા અને સશક્તિકરણની પ્રેરણાદાયી રજૂઆત પણ આ શોભાયાત્રાનું વિશેષ આકર્ષણ રહેશે. સાંજે ૭:૩૦ કલાકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – સાવરકુંડલાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવામાં મેહુલભાઈ વ્યાસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ૮:૦૦ કલાકે: સમસ્ત બ્રહ્મસમાજ માટે બ્રહ્મ ચોર્યાસી (બ્રહ્મ ભોજન) નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સૌ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે પરશુરામ સેનાના પ્રમુખ શ્રી અમિત ભાઈ પંડ્યા તેમજ શ્રી પરશુરામ સેના – સાવરકુંડલાના સમર્પિત સેનાનીઓ છેલ્લા ૨૯ દિવસથી દિવસ રાત જોયા વગર અદ્ભુત સેવા આપી રહ્યા છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts