રાષ્ટ્રીય

ઇઝરાયલે ખુલ્લેઆમ આતંકવાદીઓ સામે ભારતને શક્ય તમામ મદદ કરવાની તૈયારી બતાવી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ઇઝરાયલે ખુલ્લેઆમ આતંકવાદીઓ સામે ભારતને શક્ય તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તુલના ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા સાથે કરી છે.
ઇઝરાયલના રાજદૂત રુવેન આઝારે પહલગામ હુમલા પર ઊંડો શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હુમલાની ક્રૂરતાએ અમને ૭ ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર થયેલા હુમલાની યાદ અપાવી. પહલગામમાં ધર્મના આધારે લોકોના માથે ગોળી ધરબી દેવામાં આવી. હનીમૂન પર ગયેલા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ એ જ આતંક છે જેમાંથી અમે પણ પસાર થયા છીએ. અમારે ત્યાં પણ તહેવારોની ઉજવણીમાં ઘરોમાં સૂતા નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. સાથેજ તેમણે કહ્યું હતું કે, ‘ભારત જાણે છે કે તેણે શું કરવું. આ સાર્વભૌમત્વનો મામલો છે. દેશના આત્મરક્ષણનો મામલો છે. ભારતને આ હુમલાનો પોતાની રીતે જવાબ આપવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ભારતે આતંકવાદ સામે તેની મજબૂત નીતિ દર્શાવી છે અને અમે માનીએ છીએ કે ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં. ઇઝરાયલ આતંકવાદ સામે લડવા માટે ગુપ્તચર, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ આપવા પ્રતિબદ્ધ છે.’
રાજદૂતે જણાવ્યું હતું કે, અમે ભારતના આત્મરક્ષણના અધિકારને મજબૂત સમર્થન આપીએ છીએ. પહલગામ હુમલો છેલ્લા બે દાયકામાં નાગરિકો પર થયેલા સૌથી ઘાતક હુમલાઓ પૈકી એક ગણાય છે. ઇઝરાયલ ભારત સાથે ખભેથી ખભા મિલાવીને ઉભું છે અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.
વધુમાં અઝારે જણાવ્યું હતું કે, ‘અમે ભારતને શું કરવું જાેઈએ તે અંગે સલાહ આપવાની સ્થિતિમાં નથી, કારણ કે ભારત સરકાર અને તેની સુરક્ષા એજન્સીઓ સરહદ પારના આતંકવાદનો સામનો કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે. અમે તકનીકી અને ગુપ્તચર સહયોગ દ્વારા ભારત સાથે કામ કરીશું’

Related Posts