રાષ્ટ્રીય

આતંકીઓને સહારો આપનાર પાકિસ્તાનના ખોળામાં બેસી જનાર તુર્કીયેનો બહિષ્કાર કરવા માટે મોટો ર્નિણય

ઉડ્ડયન મંત્રાલય દ્વારા મુંબઈ સહિતનાં ૯ એરપોર્ટસ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનો તુર્કીયેની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પર કડક પગલાં ભરવામાં આવ્યા છે જેથી બન્ને દેશો વચ્ચે ઘર્ષણ પછી યુદ્ધવિરામ બાદ હવે ભારતમાં બોયકોટ તુર્કીયે ટ્રેન્ડ થવા લાગ્યું છે. મુસ્લિમ દેશ તુર્કીયેએ આતંકવાદ સામે લડી રહેલા ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હથિયારોની મદદ કરી હતી. એટલું જ નહીં ભારત પર તુર્કીયેના ડ્રોનથી થયેલા હુમલામાં ડ્રોનનું સંચાલન તુર્કીયેના કેટલાક ઓપરેટર કરી રહ્યાના અહેવાલો આવ્યા પછી દેશભરમાં તુર્કીયેના બહિષ્કારની માગ ઉઠી હતી. પ્રવાસન, વેપાર, શિક્ષણ ક્ષેત્રથી લઈને સરકારી કામકાજમાં તુર્કીયે અને તેની કંપનીઓનો બહિષ્કાર થવા લાગ્યો છે. જનમાનસની ભાવાનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ સુરક્ષાના કારણોસર મુંબઈ સહિત દેશના નવ એરપોર્ટ્સનું સંચાલન કરી રહેલી તુર્કીયેની કંપની સેલેબીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાનો બદલો લેવા માટે ભારતના ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જાેકે, ચાર દિવસ સુધી ચાલેલા ઘર્ષણમાં મુસ્લીમ દેશ તુર્કીયે ખુલીને પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવ્યું હતું, જેના પગલે દેશવાસીઓમાં તુર્કીયે વિરુદ્ધ આક્રોશ છે. દેશવાસીઓની લાગણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તુર્કીયે સામે આકરાં પગલાં લીધા છે.
મુંબઈ અને અમદાવાદ સહતિ ભારતનાં નવ એરપોર્ટસ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આપતી તુર્કીયેની સેલીબી એન.એ.એસ. એરપોર્ટ સર્વિસીઝ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું લાયસન્સ રદ કરી દેવાયું છે. નાગરી ઉડ્ડયન ક્ષેત્રે ચાંપતી દેખરેખ રાખવાની ફરજ બજાવતી બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યુરિટી (બીસીએએસ)એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સલામતીના કારણોસર મૂળ તુર્કીયેની કંપની સેલીબીની પેટા કંપની સેલીબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રા. લિ.નું સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. કંપનીને નવેમ્બર ૨૦૨૨માં સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું.
તુર્કીયેની કંપની સેલિબી મુંબઇ, અમદાવાદ, દિલ્હી, કોચીન, કુન્નુર, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા અને ચેન્નઇ એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગની કામગીરી સંભાળતી હતી. કંપનીએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ કામગીરી શરૂ કરી હતી. બાદમાં એક પછી એક ૯ વિમાનમથકો પર તેને જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપનારા તુર્કીયે સામે ભારતમાં વધતા જતા વિરોધ વચ્ચે આ બાબતની ગંભીર નોંધ લઇને રાષ્ટ્રના હિતમાં તુર્કીની કંપનીની સિક્યોરિટી ક્લિયરન્સ રદ કરવાનો ર્નિણય લેવાયો છે એમ નાગરિક ઉડ્ડયન ખાતાના રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે એક સોશિયલ મિડિયામાં પોસ્ટ દ્વારા જણાવ્યું હતું.
દેશની સુરક્ષા અને હિતને અમે સર્વોચ્ચ પ્રાધાન્ય આપીએ છીએ એવું વિધાન કરી તેમણે ઉમેર્યું હતું કે તુર્કીયેની કંપની સેલીબી એન.એ.એસ. એરપોર્ટ સર્વિસીઝ ઇન્ડિયા લિમિટેડ પર પ્રતિબંધ મૂકવાની અમને દેશભરમાંથી વિનંતી મળી હતી. પરિણામે આ ર્નિણય લેવામાં આવ્યો હતો. મુંબઈમાં થોડા દિવસો પહેલાં જ મહારાષ્ટ્રની શાસક મહાયુતિના ઘટક પક્ષ શિવસેનાના કાર્યકરો મુંબઈ એરપોર્ટ પર ધસી ગયા હતા અને તુર્કીયેની કંપનીને કોન્ટ્રાક્ટ સામે વિરોધ કર્યો હતો. શિવસેનાએ આ કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા સામે ૧૦ દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
તુર્કીયેની સેલેબીએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે, કંપની ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ૧૫ વર્ષથી કામ કરે છે અને ૧૦,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડે છે. કંપની વાર્ષિક ૫૮,૦૦૦ ફ્લાઈટ્સ અને ૫.૪૦ લાખ કાર્ગો હેન્ડલ કરે છે. સેલીબી એવિએશન ઈન્ડિયાએ કહ્યું કે તે ભારતીય ઉડ્ડયન, રાષ્ટ્રીય સુરક્ષા અને કર માળખાના નિયમોને પૂરા કરે છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરે છે. તેની ૬૫ ટકા માલિકી કેનેડા, અમેરિકા, યુકે, સિંગાપોર, યુએઈ અને પશ્ચિમી યુરોપના આંતરરાષ્ટ્રીય સંસ્થાગત રોકાણકારોની છે.
આ દૃષ્ટિએ તે તુર્કીયેની કંપની નથી. કંપનીમાં તુર્કીયેનું શૅરહોલ્ડિંગ માત્ર કંપનીના સ્થાપક સભ્યો સેલેબિઓગ્લુ પરિવાર સુધી જ મર્યાદિત છે. આ પરિવાર કંપનીમાં ૧૭.૫ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીની મૂળ સ્થાપના ૧૯૫૮માં તુર્કીયેની સૌપ્રથમ ખાનગી અને સ્વતંત્ર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની તરીકે થઈ હતી. તુર્કીયેનો પરિવાર તેમના દેશમાં કોઈ રાજકીય જાેડાણ ધરાવતો નથી.

Related Posts