ગુજરાત

અમદાવાદમાં BRTS બસમાં ધડાકા બાદ અચાનક આગ લગતા આસ્ટોડિયા દરવાજાની પાળી પર ચઢી

અમદાવાદના હૃદય સમા આસ્ટોડિયા દરવાજા નજીક શુક્રવારે (30 મે), BRTS બસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના આસ્ટોડીયા ચાર રસ્તા પાસે મુસાફરો ભરેલીમાં બસમાં અચાનક આગ ભભૂકતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બસની બેટરી ધડાકાભેર ફાટવાને કારણે બસમાં ભીષણ આગ લાગી હોવાની આશંકા છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે BRTS બસમાં આગ લાગી છે અને તે આસ્ટોડિયા દરવાજાની બાજુમાં ડિવાઈડર પર ચડેલી જોવા મળે છે. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને મદદને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આગના કારણે આસ્ટોડિયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અકસ્માત કયા કારણોસર સર્જાયો અને બસ પાળી પર શા માટે ચઢી ગઈ તે અંગેની સચોટ માહિતી હજુ સુધી મળી નથી. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Related Posts