માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને ‘દર્શક સન્માન’ અર્પણ કરતાં શ્રી મોરારિબાપુએ વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો ગણાવ્યાં. શ્રી રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને આ સમારંભ યોજાઈ ગયો.
ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને શ્રી મનુભાઈ પંચોળી દર્શક’ ( ફાઉન્ડેશન) સંસ્થા દ્વારા શ્રી મોરારિબાપુનાં આશીર્વચન સાથે સન્માનિત કરવામાં આવેલ.
આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ લોકભારતી સહિત કેટલીક સંસ્થાઓ સાથે આત્માનો સંબંધ ગણાવી આ લોકવિદ્યાલય આત્મીય ગણાવી રાજીપો વ્યક્ત કર્યો અને વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો ગણાવ્યાં.
શ્રી મોરારિબાપુએ લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં ધ્યાનમંત્રનો ઉલ્લેખ કરી કહ્યું કે, શિક્ષણ એટલે અવિદ્યાથી બચાવે તેવી વિદ્યા મળે તે સાર્થકતા. તેઓએ શ્રી વિનોબાજી દ્વારા વિજ્ઞાન અને ધર્મનાં સમન્વયની વાત કરી આ સંસ્થા દ્વારા કૃષિ, શિક્ષણ અને ગ્રામસમાજ ઉત્થાનની સેવા બિરદાવી. સંસ્થાનાં પૂર્વસૂરિઓ શ્રી નાનાદાદા, શ્રી મનુદાદા, શ્રી બુચદાદા વગેરેનો ઉલ્લેખ કરી અને શ્રમ સાથે પરિશ્રમ પર ભાર મૂકી પછી વિશ્રામ અને પરમ વિશ્રામ મળતો હોવાનું જણાવ્યું. આ સંસ્થાનાં મોભી શ્રી અરુણભાઈ દવેને સાધુચરિત ગણાવી તેમનાં પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો. શ્રી મોરારિબાપુએ સરળ અને સહજ ભાવે કહ્યું કે, આવાં ઉપક્રમોમાં આ સંસ્થાઓની આરતી ઉતારવામાં પ્રસન્નતા મળે છે.
સમારંભના અધ્યક્ષસ્થાને રહેલ શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ લોકભારતી અને આ લોકવિદ્યાલયનાં સાફલ્ય ઉલ્લેખમાં શ્રી મોરારિબાપુ દ્વારા થયેલ રામકથા અને ઉદ્યોગપતિ દાતા શ્રી બળવંતભાઈ પારેખ તથા શ્રી મધુકરભાઈ પારેખનાં યોગદાનને બિરદાવ્યું. તેઓએ કાર્યકર્તાઓમાં રહેલ કર્તવ્ય ભાવનાને બિરદાવી.
શ્રી મોરારિબાપુ અને સંસ્થાનાં અગ્રણીઓના હસ્તે લોકવિદ્યાલયના શ્રી કલ્યાણભાઈ ડાંગર, શ્રી ભાવનાબેન પાઠક, શ્રી પાતુભાઈ આહિર, શ્રી નિર્મળભાઈ પરમાર તથા શ્રી એભલભાઈ ભાલિયાને દર્શન સન્માન એનાયત કરવામાં આવેલ.
‘દર્શક સન્માન’ ઉપક્રમ સંદર્ભે શ્રી મનસુખભાઈ સલ્લાએ સંસ્થા પરિચયમાં શ્રી મનુભાઈ પંચોળીના નિર્ણયે સંસ્થાએ લોકો વચ્ચે જઈને કામ કરવાનાં અભિગમ સ્થાપના સમયથી આજ સુધીની વિકાસ યાત્રા વર્ણવી.
આ પ્રસંગે પ્રતિભાવમાં શ્રી અરુણભાઈ દવેએ પોતાની પારિવારિક સંકટ સ્થિતિ બાદ પૂરા સમાજને પરિવાર બનાવી પોતે નિમિત્તમાત્ર રહ્યાનું નિખાલસ રીતે જણાવ્યું. લોકભારતી સાથે જોડાયેલ આંબલા અને મણાર સાથે માઈધાર સંસ્થાની ઉપલબ્ધિ અને સૌના સહયોગ અંગે અહોભાવ પણ વ્યક્ત કર્યો.
આ કાર્યકમમાં સહકારી અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી, સંસ્થાનાં શ્રી પ્રકાશભાઈ શાહ, શ્રી પંકજભાઈ શુક્લા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થયેલ.
શ્રી મહેન્દ્રસિંહ પરમારના સંચાલન સાથે પ્રારંભે શ્રી સંજયભાઈ ચૌધરીએ સંસ્થા અને આયોજન ભૂમિકા આપેલ. આભારવિધિ શ્રી અજયભાઈ રાવલે કરી હતી.
આ પ્રસંગે શ્રી ભરતભાઈ દવેના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક ગીત ગાન પ્રસ્તુત થયેલ.
માઈધારમાં યોજાયેલ આ સમારંભમાં શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી હસમુખભાઈ દેવમુરારિ, શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, શ્રી ભદ્રાયુભાઈ વછરાજની, શ્રી નાનુભાઈ વાઘાણી સાથે કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયાં.



















Recent Comments