અમરેલી

ધારી માર્ગ અને મકાન પેટા વિભાગ હેઠળના ધારી – દલખાણીયા તથાબગસરા- ચલાલા રોડ વાઈડનિંગ સાથે ચોમાસા બાદ નવા બનાવવામાં આવશે

અમરેલી, તા.૧૫ જુલાઈ, ૨૦૨૫ (મંગળવાર) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના અન્વયે રાજયભરના માર્ગોના સમારકામ માટેની પ્રક્રિયા વેગવંતી બની છે.

અમરેલી જિલ્લાના ધારી દલખાણીયા રોડનું સીલકોટ મટિરિયલથી અને રોલિંગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે, હાલ આશરે ૧૩ કિલોમીટર લાંબા આ રોડની ૪૦ ટકા મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતી માર્ગ મરામતની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

આ સંદર્ભમાં ધારી માર્ગ અને મકાન (રાજ્ય) પેટા વિભાગના નાયબ કાર્યપાલક શ્રી હિરેન સોલંકીએ જણાવ્યુ કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓનું સમારકામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે, હાલમાં અમરેલી – દલખાણીયા ઉપરાંત ધારી- કોઠા પીપળીયા રસ્તાની મરામત કામગીરી કરવામાં આવી રહી છે અને બગસરા-ચલાલા માર્ગની મરામત કામગીરી પૂર્ણ કરી દેવામાં પણ આવી છે.

તેમણે કહ્યુ કે, જીરા – નાગદ્રા- લાખાપાદર રસ્તાનું પણ સંભવિત તા.૧૯ જુલાઈથી મરામત કામગીરી શરુ કરવામાં આવશે. ધારી – દલખાણીયા રોડની હયાત ૩.૫૦ મીટર પહોળાઈ વધારી ૭ મીટર કરવામાં આવશે તથા બગસરા- ચલાલા રોડનું વાઈડનિંગ કરવામાં આવશે, જેની હયાત ૭ મીટર પહોળાઈ છે તે વધારીને ૧૦ મીટર કરવામાં આવશે. આમ, આ રસ્તાઓની વાઈડનિંગ સાથે ચોમાસા બાદ નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ધારી – કોઠા પીપળીયા – ભાડેર રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જેની કામગીરી પણ ચોમાસા બાદ શરુ થશે.

ધારી માર્ગ અને મકાન (રાજ્ય) પેટા વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી ઉમેર્યુ કે, ધારી માર્ગ અને મકાન (રાજ્ય) પેટા વિભાગ હેઠળના માર્ગ મરામતની સાથે નાના મોટા બ્રિજના નિરિક્ષણને લગતી કામગીરી પણ કરવામાં આવી રહી છે, આ કામગીરી પણ ૭૦ જેટલી પૂર્ણ થઇ છે, અન્ય કામગીરી પ્રગતિ તળે છે.

Related Posts