ગુજરાત

અમરેલીના ખાંભામાં ૭ ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતી ટાંકી અચાનક ધરાશાયી

અમરેલી ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક નાગેશ્રી રોડ કાંઠે આવેલ પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી જાે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
૭ ગામડા માટે ૧૦ લાખ લીટર પીવાના પાણીની જર્જરિત ટાંકી અચાનક પડી ભારે ભીડ ત્યાં ઉમટી પડી હતી. લાખો લીટર પાણીનો વેડફાટ થતા ખાંભા નાગેશ્રી હાઇવે બંધ કરવા પડ્યો હતો.
મીડિયા સુત્રો થકી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ પાણીની ટાંકી લગભગ ૨૦ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. જેનાથી આસપાસના ૭ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. ટાંકી ધારાશાયી થતાં લાખો લિટર પાણીનો વ્યય થયો હતો અને ખાંભા-નાગેશ્રી હાઈવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પાણીના પ્રવાહને કારણે માર્ગ પરનું બાંધકામ પણ તૂટી પડ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ અને પાણી પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ટાંકી તૂટી પડવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને કારણે ૭ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેને પહોંચી વળવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ટાંકી અચાનક ધરાશાયી થતાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહત અનુભવી હતી. તેમજ ખાંભા મામલતદાર અને ખાંભા પોલીસે આગળની કામગીરી હાથધરી છે.

Related Posts