અમરેલી, તા.૧૯ જુલાઈ,૨૦૨૫ (શનિવાર) અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સીમરણ ગામ રેવન્યુ વિસ્તારમાં બાતમીના આધારે ગીર (પૂર્વ) વન વિભાગની ટીમ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ના શેડયુલ-૧ હેઠળ આરક્ષિત વન્યપ્રાણી હરણનું ચામડું તથા સિંહના નખ-ર(બે) મળી આવ્યા હતા.
ગીર (પૂર્વ) વન વિભાગની ટીમે તપાસ હાથ ધરતા ગુનો આચરનાર આરોપી વાલજીભાઇ વાસુરભાઇ માતંગ, ઉ.વ.૪૮ રહે.સીમરણ, તા.સાવરકુંડલા વાળાનું નામ ખૂલ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાબતે નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ (આઇ.એફ.એસ.) ગીર (પૂર્વ) ધારી વન વિભાગની સૂચના અને ધારી મદદનીશ વન સંરક્ષક શ્રી ડી.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પ્રતાપ. એન. ચાંદુ, રાઉન્ડ ફોરેસ્ટર શ્રી યાસીન. ઓ. જુણેજા, પ્રદીપસિંહ. વી. ચાવડા તથા ફોરેસ્ટ ગાર્ડ શ્રી પી. સી. થળેસા, શ્રી આર. એન. મોરી, શ્રી એમ.બી.બલદાણિયાને મળેલી બાતમીના આધારે સઘન તપાસ કરવામાં આવી હતી.
આ ઘટના અન્વયે સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડ ગુન્હા નં-૦૯/૨૦૨૫-૨૬, તા.૧૭.૦૭.૨૦૨૫ થી ગુન્હો નોંધવામાં આવ્યો છે. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા દિન-૩ના ફોરેસ્ટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ ગુનામાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ અન્વયે સજાની જોગવાઇ છે. આ ગુનાની આગળની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સાવરકુંડલા અને તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી પ્રતાપ.એન.ચાંદુ ચલાવી રહ્યા છે તેમ ધારી ગીર (પૂર્વ) વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments