અમરેલી

અમરેલી જિલ્લાના ખેડુતોએ ફાર્મર આઈ.ડી.મેળવવા ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવવી

અમરેલી, તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ (બુધવાર) ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તેવા અમરેલી જિલ્લાના તમામ ખેડુત ભાઇઓ-બહેનો સેલ્ફ રજિસ્ટ્રેશન કરી ફાર્મર આઈ.ડી. મેળવી શકશે. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલઃ રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય?

ભારત સરકારની સૂચના મુજબ  તા.૦૧/૦૧/૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત છે. જમીન રેકોર્ડ ૮-અ અને ૭-૧૨માં ખેડૂત તરીકે નામ ધરાવતા હોય તેવા તમામ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/# વેબસાઇટ પરથી જાતે જ (ઘર બેઠા સેલ્ફ રજિસ્ટ્રેશન)  કરવું. આમ શક્ય ન હોય તો ગ્રામ પંચાયત ખાતે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વિ.સી.ઇ.) કે તલાટી કમ મંત્રી અથવા નજીકના કોઇપણ C.S.C. સેન્ટર પરથી રુબરુ કે સીટી વિસ્તાર માટે સીટી તલાટી નો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત રજિસ્ટ્રેશન કરાવવું.

વિનામૂલ્યે રજિસ્ટ્રેશનઃ ક્યા દસ્તાવેજ જરુરી?

ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક કર્યો હોય તે મોબાઈલ નંબર, ૮-અ નકલ, ૭-૧૨ની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઇ-ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર રહેવું. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા તદ્દન વિનામૂલ્યે (નિઃશુલ્ક) છે.

ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળતા લાભઃ

ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફત સરકારના વિવિધ યોજનાકીય લાભ, કૃષિ ધિરાણ-કે.સી.સી. લોનનો લાભ અને માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે.

વિગતો અને જાણકારી માટે સંપર્ક સૂત્રઃ

આ અંગે વધુ વિગતો અને જાણકારી ગ્રામ તલાટી કમ મંત્રી-સીટી તલાટી (કસ્બા તલાટી) તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકામામલતદારશ્રીનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts