અમરેલી

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં જ્ઞાન સભર સર્જકસંવાદ કાર્યક્રમ યોજાયો 

તાજેતરમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ‘સર્જકસંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા યુવા કવિ હરદ્વાર ગોસ્વામીએ વિધાર્થી સાથે સાહિત્ય વિશે સંવાદ કર્યો હતો. જિંદગીની પરીક્ષા અને પરીક્ષાની જિંદગી વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. કવિતાને સમજવાની બારીકીઓ જણાવી અને પ્રશિષ્ટ પદ્યનું પઠન કર્યું હતું. સાહિત્ય દ્વારા માણસને માણસ બનાવવાની રીતિ-નીતિ વિશે વાત કરી હતી. સોશિયલ મીડિયા વાયરલ ચાઈલ્ડ અને બીજા ધોરણમાં ભણતા બાળકવિ શબ્દ ગોસ્વામીએ કાવ્યપાઠ કર્યો હતો. વિધાર્થિની રિદ્ધિ બારૈયાએ સ્વરચિત કાવ્યપાઠ કર્યો હતો. 

હરદ્વાર ગોસ્વામીએ 10થી વધુ દેશની સાહિત્યિક યાત્રા કરી છે. એમણે અનેક સિરિયલ અને ફિલ્મમાં ગીતકાર અને પટકથા-સંવાદ લખ્યા છે. નાની વયે ગુજરાત સરકારનો  પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ પ્રાપ્ત થયો છે. મહેમાનનું શાબ્દિક સ્વાગત આચાર્ય વંદના ગોસ્વામીએ કર્યું હતું. આભારવિધિ વિજય ચાંદલિયા કરી હતી. સંચાલન વિધાર્થિની રાધાબેન ગોહિલે કર્યું હતું અને સંકલન રાજેશ જોષીએ કર્યું હતું.

Related Posts