ભાવનગર

દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત: દિવસના ૨૪ કલાકમાં લગભગ ૧૪ કલાક આ મંદિરદરિયામાં રહે છે

ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોની વાત થાય તો સૌથી વધુ દ્વારકા, સોમનાથ કે અંબાજી જ લોકજીભે આવે.
તે સિવાય આખા રાજ્યના નાના-મોટા દરેક જિલ્લાઓમાં કોઈને કોઈ છુપા રત્નો રહેલા છે. અરબી સમુદ્રમાં
આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલું નિષ્કલંક
મહાદેવનું મંદિર. આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે.
ભાવનગર નજીક કોળિયાકના દરિયાકાંઠે આવેલા પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિર સાથે લાંબો અને ભવ્ય
ઇતિહાસ જોડાયેલો છે. સૌરાષ્ટ્રમાં યોજાતા લોક મેળામાં ભાવનગરના કોળીયાકનો મેળો ખુબ જ જાણીતો
અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ પરંપરાગત મેળો દર વર્ષે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.
જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ દિવસે નિષ્કલંક મહાદેવના મંદિર ઉ૫૨
(બાવન) ગજની ધજા ચડાવવામાં આવે છે. તેમજ અહી મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો
અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરીને ભગવાનના દર્શન તથા પૂજા અર્ચના કરે છે.

આ મંદિર નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય છે શું છે તેનો ઇતિહાસ
હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા. તેઓએ કોળિયાક
ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરીને વેદોક્ત વિધિથી ભગવાન શિવની
પૂજા-અર્ચના કરી હતી. જેનાથી યુધ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળે અને
તેઓ કલંકીતમાંથી નિષ્કલંક થયા હતા. તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.
પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલીંગ અહીં હાલ મૌજુદ છે.
૧૪ કલાક સુધી સમુદ્રના પાણીમાં ડૂબેલું રહે છે આ મંદિર
સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ
મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત હોય છે અને ભરતી-ઓટ
હિન્દુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે
છે. દિવસના 24 કલાકમાં લગભગ 14 કલાક આ મંદિર દરિયામાં રહે છે.
આ પાણીમાં અસ્થિઓ પધરાવવાથી મોક્ષ મળે છે
આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજા
પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ
જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઊતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક
મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં
ડૂબી જાય છે. લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને
મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મંદિર પર ચડાવાયેલો ધ્વજ મંદિરના મહોત્સવના દિવસે જ બદલવામાં આવે છે
આ મંદિર પર ચડાવાયેલો ધ્વજ ૩૬૪ દિવસ સુધી યથાવત રહે છે. માત્ર મંદિરના મહોત્સવના
દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજામાં ખેંચાઈ પણ જતો
નથી. સમુદ્રની વચ્ચે આવેલા આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે.
કેવી રીતે પહોંચવું?
નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લામાં કોળિયાક ગામમાં આવેલું છે. ભાવનગર રેલવે
સ્ટેશનથી આ મંદિર 24 કિમીનાં અંતરે આવેલું છે. અમદાવાદથી સડક-માર્ગે તેમજ મુંબઈથી રેલવે કે
હવાઈમાર્ગે સરળતાથી ભાવનગર પહોંચી શકાય છે. ભાવનગરથી નિષ્કલંક જવા ટેક્સીઓ કે રિક્ષાઓ મળી
શકે છે.

Related Posts