ભાવનગર

પાંચ મિનિટની પગપાળા સફર – તંદુરસ્ત જીવન તરફનું સુવર્ણ પગલું

આજના યુગમાં મેદસ્વીતા માત્ર એક દેખાવનો પ્રશ્ન નથી, પરંતુ એ આરોગ્ય માટેનું ગંભીર જોખમ
છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, મેદસ્વીતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને તે હાર્ટ ડિઝીઝ,
ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાના રોગો અને કેટલીક પ્રકારની કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ
બની રહ્યું છે. મેદસ્વીતાના અનેક કારણોમાંથી એક મોટું કારણ છે, લાંબા સમય સુધી બેસીને રહેવાની ટેવ.
ઓફિસ વર્ક, કમ્પ્યુટર સામે લાંબા કલાકો સુધી કામ, મોબાઇલ અને ટીવી સામે બેસીને સમય પસાર કરવો.
આવી જીવનશૈલીમાં શરીર લાંબા સમય સુધી સ્થિર રહે છે, મસલ્સનો ઉપયોગ ઓછો થાય છે અને કેલરી
બર્ન થવાની ગતિ ઘટી જાય છે. ધીમે ધીમે ચરબી શરીરમાં સંગ્રહ થવા લાગે છે અને વજન વધી જાય છે.

મેદસ્વીતા પર નિયંત્રણ મેળવવા માટે કસરત, સંતુલિત આહાર અને નિયમિત ચળવળ ખૂબ જ
જરૂરી છે. જેનો એક સરળ, પરંતુ અસરકારક નિયમ છે, દર કલાકે ઓછામાં ઓછું ૫ મિનિટ ચાલવું. લાંબા
સમય સુધી એક જ પોઝિશનમાં બેસવાથી લોહીનું વહન ધીમું પડે છે. કમરની પીડા, ગરદનનો દુખાવો અને
ખભાની સમસ્યા વધે છે. મેટાબોલિઝમ (શરીરમાં ઉર્જા વાપરવાની પ્રક્રિયા) ધીમી પડી જાય છે, જેના કારણે
ચરબી બર્ન થતી નથી. થોડું ચાલવું પણ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. ચાલવાથી શરીરનો
મેટાબોલિઝમ સક્રિય રહે છે. લોહીમાં શુગર લેવલ નિયંત્રણમાં રહે છે, જે ડાયાબિટીસની સંભાવના ઘટાડે છે.
સતત બેસીને કામ કરવાથી થાક, ચીડિયાપણું અને તણાવ વધે છે. થોડું ચાલવાથી મગજમાં તાજગી આવે
છે અને એકાગ્રતા વધે છે.

દર કલાકે ચાલવાની ટેવ પાડવા માટે એલાર્મ સેટ કરો. મોબાઇલ અથવા ઘડિયાળમાં દર કલાકે
એલાર્મ સેટ કરો, જે તમને ઊઠીને ચાલવાની યાદ અપાવે. પાણી પીવા માટે ઊઠો, બોટલ સાથે રાખીને ન

બેસો, પરંતુ પાણી લેવા માટે ચાલીને જાવ. કામની વચ્ચે ફોન આવે તો ખુરશી પરથી ઊઠીને ચાલતા
ચાલતા વાત કરો. લિફ્ટના બદલે શક્ય હોય ત્યાં સીડીઓ ચઢો અને ઉતરો, જે એક સારી કસરત છે. ડેસ્ક
એક્સરસાઇઝ પણ કરી શકાય, જો બહાર ન જઈ શકો, તો પણ ડેસ્ક પરથી ઊભા થઈને હાથ-પગ હલાવો,
ગરદન ફેરવો. આમ, ૫ મિનિટ ચાલવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે અને શરીરના દરેક અંગ
સુધી ઓક્સિજન પહોંચે છે. કેલરી બર્ન થાય છે અને નાની અવધિમાં પણ ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
નિયમિત પણે ચાલવાથી માનસિક તંદુરસ્તી સારી રહે છે. કામના તણાવ માંથી રાહત મળે છે અને મન
પ્રસન્ન રહે છે.

Related Posts