ગુજરાત

ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ ની જોગવાઇઓમાં સુધારા સંદર્ભે વાંધા- સુચનો મેળવવાની અવધી લંબાવવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ  વિચારણા કરવામાં આવી છે.

જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

        યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વેબપેજ https://gujhealth.gujarat.gov.in/citizen-corner.htm પર સુધારાનો ડ્રાફ્ટ મુકવામાં આવ્યો છે. જે સુધારા બાબતે જાહેર વાંધા-સુચનો રજુ કરવા તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં મંગાવવામાં આવી હતી. નાગરિકોને શુદ્ધ અને ગુણવતાયુક્ત ખોરાક મળી રહે તથા વધુમાં વધુ નાગરિકો પોતાના અભિપ્રાયો રાજ્ય સરકારને આપી શકે તે હેતુથી આ સમયમર્યાદા વધુ ૩૦ દિવસ એટલે કે, તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.

     રાજ્યના નાગરિકોને આ જાહેર સૂચનો વધુ ૩૦ (ત્રીસ) દિવસ માટે ઉપર દર્શાવેલ લિંક મારફતે જે વેબસાઇટ ખૂલે તે આધારિત ઓનલાઇન સૂચનો મોકલી આપવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts