ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં ગરીબોને મળતા અનાજના કૌભાંડ સામે ધારાસભ્ય વિનુ મોરડિયાએ અવાજ ઉઠાવ્યો છે. કલેક્ટર સંકલનની બેઠકમાં તેમણે કલેક્ટરને સીધી ફરિયાદ કરીને જણાવ્યું હતું કે રેશનિંગની દુકાનોના કેટલાક દુકાનદારો અને કાળા બજારીયાઓ ગરીબોને મળવાપાત્ર અનાજ સગેવગે કરી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયાને તેમના મતવિસ્તારના લોકો તરફથી આ પ્રકારની અનેક ફરિયાદો મળી હતી. લોકોએ તેમને જણાવ્યું હતું કે સરકારી દુકાનો પર તેમને મળતું અનાજ પૂરતા પ્રમાણમાં મળતું નથી.
આ ફરિયાદના આધારે વિનુ મોરડિયાએ કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમણે કલેક્ટરને જણાવ્યું કે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવા કાળા બજારીયાઓ સામે કડક પગલાં ભરવામાં આવે. આ ઉપરાંત તેમણે એક મહત્વની માંગણી પણ કરી હતી કે દરેક સરકારી રાશનની દુકાન પર સ્પષ્ટ રીતે એક બોર્ડ લગાવવામાં આવે.
જેમાં ગરીબોને કેટલું અનાજ મળવાપાત્ર છે તેની વિગતો દર્શાવવામાં આવે. આનાથી લોકોમાં જાગૃતિ આવશે અને દુકાનદારો મનમાની કરી શકશે નહીં. વિનુ મોરડિયાએ આ મામલે લોકોની વહારે આવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને તેમનો હક મળવો જોઈએ અને તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.


















Recent Comments