ગુજરાત

હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર અમરેલી જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના

છેલ્લા 10 દિવસથી મેઘરાજા રાજ્ય પર વધુ મહેરબાન થયા છે ત્યારે, હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર લાઇટ હાઉસ ખાતે 3 નંબરનું ફરી સિગ્નલ લાગ્યું છે કારણ કે, વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથેજ આગામી દિવસોમાં આગાહીને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રે સૂચના આપી છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર લાઇટ હાઉસ ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દરિયામાં ભારે કરંટ અને તોફાની હવામાનની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી દરિયામાં 40 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. સાથે જ આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. જાફરાબાદમાં તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અને બોટને સલામત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે, જેના કારણે વાતાવરણમાં ભેજ અને ઠંડક જોવા મળી છે. હવામાન વિભાગે ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ વગેરેમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ સુરત, તાપી, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. વલસાડ, દમણ, ડાંગ, ભરૂચ, ખેડામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

Related Posts