ગુજરાત

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરતા જુનો આદેશ યથાવત રાખ્યો

ગોંડલમાં ૧૯૮૮માં ૧૫મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને ૧૯૮૮માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે. જાેકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. એટલે હવે અનિરૂદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે અને જેલમાં રહેવું પડશે.
૨૯ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સ્પે. લીવ પીટીશન (ક્રિમીનલ) રજૂ કરી હતી. જે બીજા દિવસે એટલે કે ૩૦ સપ્ટેમ્બરના રોજ દાખલ થઈ હતી. તેના નંબર પણ પડી ગયા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટીન જર્યોજની બેંચ સમક્ષ આ લીવ પીટીશનની સુનાવણી થઇ હતી. આજે સુપ્રીમ કોર્ટે કોઇ રાહત આપી ન હતી.
ઉલ્લેખનીય છે કે અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા ચારેક મહિનાથી વોન્ટેડ છે. વોન્ટેડ હતા તે દરમિયાન જ હાઈકોર્ટનો સજા માફી રદ કરવાનો હુકમ આવ્યો હતો. પોલીસ સુત્રોએ તે વખતે જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ બાબતે પોલીસને કોઈ ડાયરેકશન આપ્યું નથી. પરંતુ પોલીસ અગાઉથી જ અમિત ખૂંટ આપઘાત કેસમાં શોધખોળ કરી રહી છે. જાે કે આજ સુધી પોલીસને અનિરૂદ્ધસિંહ જાડેજાનું કોઈ ચોકકસ લોકેશન મળ્યું નથી.
મહત્વનું છે કે ઑગસ્ટ ૨૦૨૦માં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા જુગાર કેસમાં પોલીસે ચૂપચાપ અનિરૂદ્ધસિંહ જાડેજાની ગણતરીના મહિનાઓમાં ધરપકડ કરી લીધી હતી. સુરતના ચકચારી ખંડણી કેસમાં અનેક આરોપીઓની ધરપકડ બાદ અનિરૂદ્ધસિંહ રીબડાએ અદાલતમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. આગોતરા જામીન મેળવનારા અનિરૂદ્ધસિંહ રીબડાની સુરત ક્રાઈમ બ્રાંચે પણ છાનીમાની ધરપકડ કરી લીધી હતી. અનિરૂદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપ માટે અમિત ખૂંટ આપઘાત કેસ મોટી આફત બન્યો છે. કેસમાં આરોપી તરીકે નામ આવે તે પહેલાં જ સૌરાષ્ટ્રથી પલાયન થયેલા પિતા-પુત્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
ગુજરાતની જેલોના તત્કાલીન વડા ટી.એસ.બિષ્ટ ની કૃપાથી જેલ મુક્ત થયેલાં અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ઉર્ફે અનિરૂદ્ધ રીબડા સામે એક નહીં ત્રણ-ત્રણ પોલીસ કેસ નોંધાયેલા છે. ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર ગોળી મારી હત્યા કરનારા અનિરૂદ્ધસિંહ રીબડા છેલ્લાં કેટલાંક વર્ષોથી બાહુબલી તરીકેની છાપ ધરાવે છે. જાન્યુઆરી-૨૦૧૮માં જેલ મુક્ત થયા બાદ વર્ષ ૨૦૨૦માં અનિરૂદ્ધસિંહ જાડેજા સામે ઉપરાછાપરી બે કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે નોંધાયેલા અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડાને આરોપી બનાવાયા છે.

Related Posts