શહેરની બહુચર્ચિત અને વિવાદિત ખ્યાતિકાંડને લઈ એક મોટા સમાચાર આવ્યા છે જેમાં ખ્યાતિ હોસ્પિટલ કૌભાડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ઉચ્ચ ન્યાયાલયે આરોપી કાર્તિક પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે. કાર્તિક પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેનો વિરોધ કરી સરકારી વકીલે ઊગ્ર રજૂઆત કરી હતી. સરકારી વકીલે દલીલ કરી કે સમગ્ર કેસમાં કાર્તિક પટેલની ભૂમિકા મહત્ત્વની છે. તેમની સામે ગંભીર આરોપ છે.
ગુજરાત હાઈકોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કેસની ગંભીરતાને મુખ્ય આધાર બનાવ્યો હતો. આ કૌભાંડમાં મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને નાણાકીય અનિયમિતતાઓ પણ સામે આવી હતી. કોર્ટે માન્યું કે, જો આરોપીને આ તબક્કે જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે અથવા કેસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. આ નિર્ણય અન્ય આરોપીઓ માટે પણ એક દાખલો બેસાડશે કે ગંભીર ગુનાઓમાં સરળતાથી જામીન મળતા નથી.
ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ કાર્તિક પટેલને હાલ પૂરતી કોઈ રાહત મળી નથી અને તેણે જેલમાં જ રહેવું પડશે. તેના વકીલો હવે આગળ શું કાર્યવાહી કરવી તે અંગે વિચારણા કરી શકે છે, પરંતુ હાઈકોર્ટનો આ ચુકાદો તેના માટે મોટો ઝટકો છે. આ કેસમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ રહેશે અને કાયદાકીય લડાઈ લાંબી ચાલી શકે છે. આ કૌભાંડમાં ન્યાયિક તપાસ બાદ અન્ય કેટલાક લોકો પણ આરોપી બની શકે છે, જેના કારણે આ કેસ વધુ જટિલ બની રહ્યો છે.


















Recent Comments