ગુજરાત

નર્મદા જિલ્લામાં માત્ર ચાર બાળકોના શિક્ષણ માટે શરૂ થયેલી

આદિવાસી વિસ્તારોના બાળકો ભણી ગણીને સરકારી અને ખાનગી ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે ગોરા પ્રાથમિક શાળાના ‘નર્મદા રત્ન’  શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈ સતત કાર્ય કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સરદાર સરોવર નર્મદા યોજનાના પુન:વસવાટ અસરગ્રસ્તોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વર્ષ -૧૯૯૯માં ગોરા ખાતે સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી.

આ વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત થનાર શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં જ્યારે શિક્ષક તરીકે મારી નિમણુંક થઇ હતી, ત્યારે શાળાને પોતાનું મકાન ન હોવાથી શિક્ષણપ્રેમી શ્રી ગોવિંદભાઈ તડવીના મકાનના એક ખૂણામાં એક ખુરશી, ટેબલ, અલમારી અને કાળાપાટીયા સાથે પ્રાથમિક શાળા ધોરણ – ૧થી૪નું શિક્ષણકાર્ય સૌપ્રથમ માત્ર ચાર વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ શાળામાંથી અત્યારસુધીમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી – ખાનગી સહિત વિવિધ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે.  

તેમના દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ નવી પહેલમાં વર્ષ-૨૦૧૮-૧૯માં ચાલો, બાળપણને વિકસાવીએ, વર્ષ-૨૦૧૯-૨૦માં નવતર એક ઉપચાર અનેક, વર્ષ ૨૦૨૦-૨૧માં શિક્ષા સેતુ, વર્ષ-૨૦૨૧-૨૨માં ઓપન સ્માર્ટ ક્લાસ, વર્ષ-૨૦૨૨-૨૩માં સ્કેનિંગ બાય લર્નિંગ, વર્ષ-૨૦૨૩-૨૪માં એનિ ટાઈમ લર્ન (A.T.L), વર્ષ- ૨૦૨૪-૨૫માં મિશન C.E.T, વર્ષ- ૨૦૨૫-૨૬માં ટોટલ ફિઝીકલ રિસ્પોન્સ (T.P.R) શરૂ કરવામાં આવી હતી. જેની જિલ્લા –રાજ્યકક્ષાએ નોંધ લેવાતા શ્રી શાંતિલાલે શિક્ષક તરીકે ‘નર્મદા રત્ન’થી ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ સુધીની સિદ્ધિઓ હાંસલ કરી છે.

આ ઉપરાંત શ્રી શાંતિલાલ ભોઇએ CRC કક્ષાએ:- “પ્રતિભાશાળી શિક્ષક”, તાલુકા કક્ષાએ “તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક”, જિલ્લા કક્ષાએ જિલ્લા “શ્રેષ્ઠ શિક્ષક”, “ઈનોવેટીવ શિક્ષક”, પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શૈક્ષણિક ટેબ્લો માટે “સન્માનપત્ર” તેમજ નર્મદા જિલ્લા સર્વોચ્ચ સન્માન “નર્મદા રત્ન” નો ખિતાબ મળ્યો હતો. આદિવાસી બાળકોમાં શિક્ષણનો બીજ અંકુરણ કરનાર “નર્મદા રત્ન” શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈને તેમના શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓના કાર્યને ધ્યાનમાં લઈને ૫ સપ્ટેમ્બર શિક્ષક દિને તેમણે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં “ચાલો, બાળપણને વિકસાવીએ” શાળાનો ઈનોવેટીવ પ્રોજેકટ જિલ્લા કક્ષાએ ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઈનોવેટીવ પ્રોજેકટ ડિજિટલ કેસ સ્ટડી અંતર્ગત ગાંધીનગર ખાતે અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય સ્કૂલ લિડરશિપ કૉન્ફોરન્સમાં પ્રેઝન્ટેશન સ્વરૂપે દિલ્હી ખાતે રજૂ કરવાનો સોનેરી અવસર મળ્યો હતો. શિક્ષણ વિભાગે આ ઈનોવેટીવ પ્રોજેકટને SSA- સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત કરવાનો આદેશ કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે, વ્યસનમૂક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય પ્રત્યે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં જન -જાગૃતિ લાવવા શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવા બદલ  શિક્ષણ વિભાગ તરફથી “સ્વચ્છ વિદ્યાલય”નો પુરસ્કાર પણ શાળાને પ્રાપ્ત થયો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઓપન સ્માર્ટ ક્લાસ ઇનોવેટીવ પ્રોજેકટ દ્વારા ધોરણ- 3 થી ૫ ના કુલ- ૧૪ વિષયોના ૨૧૦ જેટલા પાઠ્યક્રમોની ૨૧૦ પીપીટી તૈયાર કરીને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પદ્ધતિથી આકર્ષક અને અસરકારક રીતે શિક્ષણકાર્ય શરૂ કરીને ખાનગી શાળાઓને પણ મફત ઓનલાઈન શિક્ષણનું સચોટ ઉદાહરણ આપ્યું હતું. આ કપરા સમયે મારું ઈનોવેશન સતત બીજીવાર રાજ્ય કક્ષાએ રજૂ થયું હતું. દરેક એકમની પીપીટીના એકમવાર QR કોડ તૈયાર કરી માસવાર, ધોરણવાર મુજબ GCERTના સુચવેલ અભ્યાસક્ર્મ પ્રમાણે ગોઠવીને જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો હતો.

શાળાના ઈનોવેશન Learning By Scanning દ્વારા તૈયાર થયેલ QR કોડને સૌથી વધુ QR કોડ બનાવાનો રેકોર્ડ INDIA BOOK OF RECORD અને WORLD RECORD OF EXCILENCE (IBR)માં સ્થાન મેળવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યની નોંધ લેવામાં આવી હતી. ધોરણ-૩ થી ૫ના કુલ-૧૪ વિષયોના ૨૫૦૦ જેટલા પાનાંને ડિજિટલ માસવાર અભ્યાસક્રમ આયોજનમાં માત્ર ૧૧ પાનામાં સમાવી બેગલેસ, પેપરલેસ અભ્યાસક્રમ તૈયાર કરવાની સાથે ભાર વગરના ભણતરની દિશામાં શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈએ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.

Related Posts