ભાવનગર

શ્રી જયેન્દ્રસિંહ જાદવ લોકભારતી સણોસરા શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપતાં લેખક શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે, કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર પ્રતીક કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય રહે છે.

‘કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ અને અત્તર પ્રવૃતિઓ’ વિષય પર લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં જાણીતા લેખક અને શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવે વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓની ભૂમિકા સરળ રીતે સમજાવી. ધર્મ, શાસ્ત્ર, સમાજ વગેરે સંદર્ભ ઉલ્લેખ સાથે કેળવણીના અભ્યાસપૂર્ણ ચિંતન પ્રસ્તુત કરતાં તેમણે કહ્યું કે, કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર પ્રતીક કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય રહે છે. આમ, લોકભારતી જેવી સંસ્થામાં ઇતર પ્રવૃત્તિ થાય છે તે અત્તર પ્રવૃત્તિઓ જ છે, જેની સર્વત્ર સુગંધ રહેલી છે. 

શ્રી જયેન્દ્રસિંહ જાદવે હૈયું, મસ્તક અને હાથ એમ પ્રવૃત્તિમાં રહેવાથી સાંભળવું, જોવું અને જાતે કાર્ય કરવું એ સૂત્ર સાથે પ્રવૃત્તિ અને પ્રકૃતિ સાથે સમન્વય પર ભાર મૂક્યો. શિક્ષણનો મૂળ ઉદ્દેશ પણ અંતરની કેળવણી છે, ઇત્તર પ્રવૃત્તિ દ્વારા જ થાય છે. તેઓએ શાસ્ત્ર આધારિત ક્રમશઃ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને છેલ્લે આનંદમય કોષ અને ચિંતન રજૂ કર્યું. તેઓએ આજના શિક્ષક દિવસનો સાનંદ ઉલ્લેખ કર્યો.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત ૧૯મો મણકો યોજાયો, તે પ્રસંગે શ્રી ગિરીશભાઈ દવેએ આવકાર પરિચય આપતાં શ્રી જયેન્દ્રસિંહ જાદવે ઓછી ઉંમરમાં સરકાર અને શિક્ષણ સંસ્થાઓમાં તેમનાં યોગદાનનો ઉલ્લેખ કર્યો.

વ્યાખ્યાન પ્રસંગે સંસ્થા પરિવારના શ્રી વિક્રમભાઈ ભટ્ટે આભારવિધિ કરી હતી. સમાપનમાં શ્રી દર્શનાબેન ભટ્ટ દ્વારા ગીત પ્રસ્તુત થયેલ.

લોકભારતી સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી હસમુખભાઈ દેવમુરારિ, શ્રી રાજેન્દ્રભાઈ  ખીમાણી, શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી કાંતિભાઈ ગોઠી સહિતના માર્ગદર્શન સાથે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓનું સંકલન રહ્યું.

વ્યાખ્યાન સંચાલનમાં શ્રી દિનુભાઈ ચુડાસમા રહ્યાં હતાં. સંગીતવૃંદ દ્વારા સુંદર ગાન પ્રસ્તુત થયેલ. આ ઉપક્રમમાં શિક્ષણ સાથે સંસ્થાની કેળવણીની ઇત્તર પ્રવૃત્તિઓ સંલગ્ન મંચ સુશોભન આકર્ષણરૂપ રહ્યું.

Related Posts