ગુજરાતના સાબરકાંઠા, તાપી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા અને વડોદરા જિલ્લાઓમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે વડોદરા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ખેડબ્રહ્મા અને મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે. આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. લેટેસ્ટ માહિતી અનુસાર સાબરમતી નદી હવે જોખમી સ્તરથી માત્ર બે ફૂટ દૂર રહી ગઈ છે. એટલે કે સાબરમતી નદીનું જળસ્તર હાલમાં 130 ફૂટ થઇ ચૂક્યું છે. જ્યારે તેનું ભયજનક જળસ્તર 132 ફૂટ માનવામાં આવે છે. રિવરફ્રન્ટ પણ પાણીમાં ડૂબી ગયો છે. ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. વૉક વે પણ પાણીમાં ગરકાવ છે. ફરી એકવાર ખતરનાક જીવ નદીમાંથી બહાર દેખાવા લાગ્યા છે.
અમદાવાદમાં પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી. રિવરફ્રન્ટના વૉક વેની વાત કરીએ તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સાથે ફરી એકવાર સાપ અને પાણીમાં રહેતા ખતરનાક જીવ ફરી બહાર કિનારે નદીમાંથી આવવા લાગ્યા છે.
ધરોઇ ડેમ અને સંત સરોવરથી પાણી છોડાતાં સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે બાદ પોલીસ દ્વારા સતત માઈકથી લોકોને પાળીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
મોડાસાના ફુટા ગામનું તળાવ ઓવરફ્લો થયુ છે. આજુબાજુ આવેલા ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ભારે પવન સાથે વરસાદના પગલે તળાવો ઉભરાયા છે. જેમાં 35 વીઘા ખેતરનો મગફળી, સોયાબીનનો પાક પાણીમાં ગયો છે. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા વ્યાપક નુકસાન થયુ છે. તેમજ મહીસાગરના સંતરામપુરના માનગઢ પાસે ભૂસ્ખલન થયુ છે. ભારે વરસાદને લઇ મહીસાગરના સંતરામપુરમાં ભૂસ્ખલન થયુ છે. ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા ડુંગર નીચે ધસી આવ્યો છે. માર્ગ પર પત્થર સહિતનો કાટમાળ ધસી આવતા કાર દબાઇ છે. માનગઢ અને ભમરી કુંડા પાસે આવેલા ડુંગરો નજીક આ ઘટના બની છે. ત્યારે ભૂસ્ખલનના કારણે રોડ પર ઠેર ઠેર તિરાડો પડતા રોડ બંધ કરાયો છે.
આ દરમિયાન બનાસકાંઠાના દાંતામાં મંડાલી પાસે સાબરમતી નદી વચ્ચે ફસાયેલા 8 લોકોને ફસાયા હતા. જેમને SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રમત તેજ કરી દેતા ચેરાપુંજી ગણાતા કપરાડામાં દિવસે 8 કલાકમાં 6 ઇંચ સહિત 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી-પાણી થતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન બોટાદમાં 3.50, સાબરકાંઠાના પોશિનામાં 3.25, રાજકોટના પડધરીમાં 3.15, સાબરકાંઠાના તલોદ, અમદાવાદના સાણંદમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં નોંધપાત્ર વરસાદ પડયો તેમાં 2.85 ઈંચ સાથે રાજકોટના જામકંડોરણા, 2.75 ઈંચ સાથે સાબરકાંઠાના પ્રાંતિજ, 2.60 ઈંચ સાથે અરવલ્લીના બાયડ-વલસાડના ઉમરગાંવનો સમાવેશ થાય છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.



















Recent Comments