ગુજરાત

અમદાવાદના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ૩૯ ગામો સુધી રૂ. ૧,૫૩૬.૮૬ કરોડના ખર્ચે પાણી પહોંચાડાવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે: મંત્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ૩૯ ગામના ૩૫,૪૮૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવા રાજ્ય સરકારે રૂ. ૧,૫૩૬.૮૬ કરોડની વિશેષ “નળકાંઠા યોજના” અમલમાં મૂકી છે. નળકાંઠા યોજનામાં સાણંદ તાલુકાના ૧૪ ગામ, બાવળા તાલુકાના ૧૨ ગામ અને વિરમગામ તાલુકાના ૧૩ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ નળકાંઠાના છેવાડાના ગામોનો નર્મદા કમાન્ડમાં સમાવેશ કરવામાં આવશે તથા પાઇપલાઇન અને કેનાલ મારફતે આ ગામના ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં પણ સિંચાઇની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. સાથે જ, ૨૩ તળાવો તથા માટીબંધને પણ ઇન્ટરલીંક કરવામાં આવશે.

નળકાંઠા યોજનાના પ્રથમ તબક્કામાં રૂ. ૩૭૭.૬૫ કરોડના ખર્ચે કુલ ૨૬.૧૮ કિલોમીટર લાંબુ એમ.એસ. પાઈપ લાઈનનું નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે. યોજનાનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણતાને આરે છે. તા. ૩૧ જુલાઈ,૨૦૨૫ સુધીમાં ૨૨.૭૮ કિલોમીટર લંબાઈમાં પાઇપ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઇ છે, બાકીની કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ થશે.

યોજનાના આ પ્રથમ તબક્કામાં ગોધાવી-ગોરજ ડ્રેઈનનું લાઈનીંગ કરી ફતેવાડી નહેરમાં જોડાણ, ધોળકા શાખા નહેર અને ફતેવાડી નહેરનું જોડાણ, સાણંદ શાખા નહેરમાંથી નવી પાઇપ લાઇન તેમજ સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી ઘોડા ફીડર ડ્રેઇન સુધી નવી પાઇપ લાઇનની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ તેમણે કહ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, યોજનાના દ્વિતીય તબક્કામાં કુલ રૂ. ૧,૧૫૪.૬૫ કરોડના ખર્ચે મુખ્ય પાઇપલાઇનને લાભિત ગામોના છેવાડાના વિસ્તાર સુધી લંબાવવામાં આવશે. દ્વિતીય તબક્કાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે, જેથી દ્વિતીય તબક્કાની કામગીરી પણ ટૂંક જ સમયમાં શરુ થશે.

દ્વિતીય તબક્કામાં મુખ્ય પાઈપલાઈનથી સબ-લાઈન અને સબ-લાઈન ઉપર પ્રત્યેક ૨૫ થી ૪૦ હેક્ટર વિસ્તાર વચ્ચે એક કુંડી દ્વારા સિંચાઈનું પાણી વિતરણ કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પાઇપલાઈન થકી લાભિત ગામો સુધી પાણી પહોંચાડવા દ્વિતીય તબક્કામાં ૧૫૭ કિલોમીટર એમ.એસ અને ૧૯૧ કિલોમીટર ડી.આઈ પાઈપલાઈન મળીને કુલ ૩૪૮ કિલોમીટરનું નેટવર્ક ઉભું કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Related Posts