૨૦૨૪ના ઓક્ટોબર માસમાં ભારે વરસાદથી કપાસના પાકમાં ૩૩ ટકા વધુ નુકસાની થઈ છે તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે. અમરેલી જિલ્લામાં કુલ – ૩૦૧ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે જેઓને નુકસાનની માટે સહાય મળવાપાત્ર થનાર છે.
અમરેલી જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તા. ૦૨/૦૯/૨૦૨૫ થી તા.૧૬/૦૯/૨૦૨૫ દરમિયાન અરજી કરી શકાશે. એટલે હવે અરજી કરવાનો હવે ફક્ત ૭ દિવસ બાકી હોય તાત્કાલિક ધોરણે પાત્રતા ધરાવતા અસરગ્રસ્ત ખેડૂતોએ ફરજીયાત પણે ઓનલાઇન અરજી કરવા અપીલ કરવામાં આવે છે. અરજીની મુદત પૂર્ણ થયા બાદ કોઈ રજુઆત કે અરજીઓ સ્વિકારવા કે ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
વધુમાં, આ કૃષિ રાહત પેકેજની અરજી VCE મારફત વિનામૂલ્યે કરી શકાશે. એટલે કે અરજી કરવા માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું કરવાનું રહેતું નથી. અરજી અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં. ૮/અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઇ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.
વધુ જાણકારી માટે આપના ગામના તલાટી કમ મંત્રી, સીટી તલાટી (કસ્બા તલાટી), ગ્રામસેવક, વી.સી.ઇ., તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા વિકાસ અધિકારીશ્રી કે મામલતદારશ્રીનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.



















Recent Comments