અમદાવાદનાં બોપલ વિસ્તારમાં 5 સપ્ટેમ્બરે ધ ગાર્ડન બંગ્લોઝમાં ગટર સાફ-સફાઈનું કામ ચાલી રહ્યું હતું. 1.50 લાખમાં સોસાયટીની ગટર સાફ-સફાઈ અને જોડાણનું કામ રાખ્યું હતું. દરમિયાન, ગેસ ગળતરનાં કારણે શ્વાસ રુંધાઇ જતાં ગટરની સાફ-સફાઈ કરી રહેલા બે શ્રમિક વિકાસ કોરી અને કનૈયા કોરીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી મુકેશ ઠાકુર છે. તેણે સોસાયટીમાં રૂ.1.50 લાખના ખર્ચે સુએઝની સફાઈ અને ડ્રેનેજ કનેક્શનનો કોન્ટ્રાક્ટ લીધો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના 5 સપ્ટેમ્બરના રોજ બની હતી. જેમાં ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના વતની શ્રમિકો વિકાસ કોરી (ઉં.વ.20) અને કનૈયા કોરી (ઉં.વ.21)ને કોઈપણ સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં લાઇન સાફ કરવા માટે હાઇ-પ્રેશર મશીન ચલાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.
બાદમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓને બચાવ કામગીરી માટે બોલાવવામાં આવ્યા હતા. બંને શ્રમિકોને સાયન્સ સિટીની સિટી પ્લસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કનૈયાને બપોરે 3:40 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં પ્લમ્બર તરીકે કામ કરતો વિકાસ પણ એ જ રાત્રે 10:25 વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.
વિકાસના પિતા લાલ બહાદુર છોટેલાલે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવીને માણસોને સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં કામ કરવા મજબૂર કર્યા હતા, જોકે તે જોખમોથી વાકેફ હતો.
વધુમાં, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આરોપી કોન્ટ્રાક્ટરે જોખમી સુએઝ સફાઈના કામ માટે શ્રમિકોને હેલ્મેટ, ઓક્સિજન માસ્ક કે સુરક્ષા પોશાક જેવા સાધનો પૂરા પાડ્યા નહોતા. બંને શ્રમિકોનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલી રહી છે.”


















Recent Comments