શહેરના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. જેમાં મોડી રાત્રે કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળ્યો છે. ત્યારે તિક્ષ્ણ હથિયારના ઘા મારી બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. હિંમત રૂદાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. મર્સિડીઝ કારમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં વિરાટનગર બ્રિજની નીચે કારમાંથી મૃતદેહ મળ્યો છે. મૃતકના પુત્રની ફરિયાદને આધારે તપાસ ચાલુ કરાઇ છે.
આ ઘટનાની જાણ થતા ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં 3 આરોપીઓ રાજસ્થાનના શિરોહીથી ઝડપાયા છે. જો કે હજી સુધી હત્યા કયાં કારણોસર કરવામાં આવી હતી. તેની કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. જેથી પોલીસ આરોપીઓની પુછપરછ હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી, તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ રુદાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું.
અમુક મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ હત્યા પાછળ રૂદાણી અને અન્ય જાણીતા બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે મનસુખ જેકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
તેમજ આ બાબતે મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર, આ બંને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા. આ વિવાદ 2024ના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો, જ્યારે માલિકી હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે, હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે CID ક્રાઈમના આર્થિક ગુના વિંગ (EOW)માં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.


















Recent Comments