ગુજરાત

ગુજરાત હાઈકોર્ટને ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગે ચેકિંગ હાથ ધર્યું

ગુજરાત હાઇકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.  હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને સમગ્ર ધમકી અંગે જાણકારી આપી હતી. પોલીસે હાઈકોર્ટમાં તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટને સતત ચોથી વખત ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોઈ અજાણ્યા શખ્સે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઈલ કર્યો હતો. હાઈકોર્ટના રજિસ્ટ્રારે સોલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર ધમકી અંગે જાણકારી આપી હતી. પોલીસે તાત્કાલિક હાઈકોર્ટમાં જઈને તપાસ હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટને વારંવાર ધમકી ભર્યા મેઈલ મળી રહ્યાં છે. આ ચોથી વખત ધમકી ભર્યો મેઈલ મળ્યો છે.

માહિતી અનુસાર ત્રણ મહિનાના સમયગાળામાં આ ચોથી વખત છે જ્યારે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં આ ધમકી બાદ પણ હાઇકોર્ટમાં કામગીરી તો નિયમિત રીતે ચાલતી રહી હતી. છેલ્લે ઑગસ્ટમાં ઈમેલ દ્વારા આ રીતે ધમકી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ નવમી જૂન 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટને મળેલા ઈ-મેલમાં IED બ્લાસ્ટ ધમકી આપવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે FIR નોંધી અને સાયબર સેલે ઈ-મેલના મૂળની તપાસ શરુ કરી હતી. તપાસમાં ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું. 24મી જૂન 2025ના રોજ રેની જોશિલ્ડા નામના ઈ-મેલ આઇડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તપાસમાં ચેન્નાઈની એક મહિલાની ધરપકડ કરી હતી, જેણે વ્યક્તિગત કારણોસર આવી ધમકીઓ મોકલી હોવાનું કબૂલ્યું. જ્યારે 20મી ઑગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ પોલીસે હાઇકોર્ટના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.

Related Posts