ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘નમો અમૃત મહા આરોગ્ય શિબિર’ ની મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું.

આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો. શિબિરમાં વિવિધ પ્રકારના મેડિકલ હેલ્થ ચેક-અપ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ હતી. જેમાં ટી.બી. માટે નિઃશુલ્ક સ્ક્રીનીંગ, ટેસ્ટ અને સંકલિત સારવાર, ટી.બી. પ્રભાવિત પરિવારો માટે પૌષ્ટિક કીટનું વિતરણ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનીંગ અને માર્ગદર્શન, સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ, સામાન્ય આરોગ્ય ચકાસણી અને આવશ્યક દવાઓનું વિતરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ જેવી આરોગ્ય સુવિધાઓમાં આપવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રીના “સ્વસ્થ ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ શિબિર એક મહત્વપૂર્ણ કદમ છે.

આ અવસરે અમદાવાદ શહેર મેયર શ્રીમતિ પ્રતિભા બહેન જૈન,  સાંસદ શ્રી દિનેશ મકવાણા (અમદાવાદ પશ્ચિમ), ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ (મણીનગર), શ્રીમતી દર્શના બહેન વાઘેલા, શ્રી હસમુખ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts