દામનગર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા અભિયાન- ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવનો પ્રારંભ થયો છે.
આ સ્વચ્છતા અભિયાનનો દામનગર નગરપાલિકા ખાતેથી પ્રમુખ શ્રી ગોબરભાઇ નાનજીભાઈ નારોલાએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન અતુલભાઇ દલોલિયા, ચીફ ઓફિસર શ્રી સંદીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત એમ.સી. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને આનુસંગિક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દામનગર નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ધ્રુવભાઈ ભટ્ટ અને શિક્ષકોએ સ્વચ્છતા સ્વભાવ બને તે સંદર્ભમાં પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ સાથે લોકોએ સ્વચ્છતા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ૩૧ ઓક્ટોબર સુધી દામનગર નગરપાલિકા વિસ્તારમાં ગાર્બેજ વલ્નેરેબલ પોઇન્ટ્સ, સ્વચ્છતા લક્ષી એકમો, બ્લેક સ્પોટ, જાહેર બજારો માર્ગો વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોમાં જન ભાગીદારીથી અને સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતાની ઝુંબેશ કરવામાં આવશે.
સ્વચ્છતા માટેની અઠવાડિક થીમ મુજબ શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા, ટેક્સી અને સાઇકલ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, તળાવ, સરોવર, વરસાદી પાણીના નાળા, જુદા જુદા સર્કલ ચાર રસ્તાઓ, પ્રસ્થાપિત કરાયેલી પ્રતિમાઓ, એપીએમસી, શાકમાર્કેટ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સરકારી દવાખાના વગેરે સ્થળોએ સફાઈ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ર ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” – સ્વચ્છોત્સવ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશ ભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર વિવિધ સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે “નિર્મળ ગુજરાત ૨.૦” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર એટલે કે ત્રણ પખવાડિયા સુધી યોજાશે.


















Recent Comments