ગુજરાત

સુરત, વડોદરા,ભરૂચ, અમરેલી સહીત અનેક જીલ્લાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ

રાજ્યના અનેક જીલ્લાઓ માં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કરને ગરબા આયોજકો ની ચિંતામાં વધારો કરી દીધો છે. સતત ઉકળાટથી પરેશાન લોકો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.

જોકે આને ચોમાસાની છેલ્લી ઈનિંગ માનવામાં આવે છે. જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે અમને આ વરસાદની બહુ જરૂર હતી. પાક સુકાઈ રહ્યો હતો અને હવે આ વરસાદથી પાક સારો થશે અને ઉત્પાદન પણ સારું મળશે. 

ચોમાસાની સિઝનના અંતમાં થયેલો આ વરસાદ પાકને નવજીવન આપશે. ખાસ કરીને કપાસના પાકને જીવતદાન મળ્યું છે અને મગફળીના પાકને પણ આ વરસાદથી સીધો ફાયદો થશે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ચહેરા પર આનંદની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે. વરસાદની આગાહી ન હોવા છતાં અચાનક થયેલા આ વરસાદે સૌને ચોંકાવ્યા છે.

સુરત શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. લિંબાયત વિસ્તારમાં તો મેઘરાજાએ રીતસરનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું, જ્યાં માત્ર એક કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.

સુરતના વિસ્તારો જેવા કે પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહન-વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

એસએમસી દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. લાંબા વિરામ બાદ થયેલા આ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ વરસાદ ખાસ કરીને કપાસ અને મગફળી જેવા પાકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. સાવરકુંડલાના મોટા ભમોદરા, શેલના રબારીકા, દેવળીયા, રાજસ્થળી, લાપાળીયા અને મોટા ગોખરવાળા જેવા ગામોમાં એક કલાકથી વધુ સમય સુધી સતત વરસાદ વરસ્યો છે.

વરસાદથી એક તરફ ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે, એક તરફ રાજ્યમાં નવરાત્રીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મંચ, પંડાલ અને ડેકોરેશનનું કામ ચાલુ છે. પરંતુ વરસાદે આ કામમાં અવરોધ ઉભો કર્યો છે. પંડાલમાં પાણી ભરાતા સજાવટનું કામ અટકી ગયું. મંચની લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમમાં ખામી થવાની ભીતિ છે. આ પરિસ્થિતિમાં આયોજકો ચિંતિત છે કે જો આવું જ ચાલુ રહેશે તો નવરાત્રીના દિવસોમાં મોટા કાર્યક્રમો પર પણ અસર પડશે.

Related Posts