ગુજરાત

ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાંથી ભલે વરસાદી વિદાયનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું હોય પરંતુ જતા જતા મેઘરાજા ધડબડાટીના મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ એટલે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 

ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં સટાસટી બોલાવી શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની શક્યતા સેવાઇ રહી છે.

બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શકયતા નહિવત છે, જ્યારે પહેલા જ નોરતે મેઘો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસે તેવી શક્યતા છે. જ્યારે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. જ્યારે કે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ફરી મહેર કરી છે. ગઈકાલે 19 સપ્ટેમ્બરની સાંજે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જિલ્લાના લાઠી, કુકાવાવ, બાબરા, દામનગર, ખાંભા, જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા અને તેના ઉપરવાસના ગામો જેવા કે ચરખા, ચમારડી અને ઘૂઘરાળામાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. બાબરાની કાળુંભાર નદીમાં પણ ભાદરવે પૂરે આવ્યું છે અને પૂરનું પાણી બુધવારી પુલ સુધી પહોંચ્યું છે. કુકાવાવમાં પણ સારો વરસાદ પડ્યો હોવાથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આમ, લાંબા સમય બાદ પડેલા આ વરસાદથી અમરેલી જિલ્લાના લોકોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરમાં સૌથી વધારે વરસાદ લિંબાયત વિસ્તારમાં પડ્યો છે. ગઈકાલે લિંબાયત વિસ્તારમાં 2 કલાકમાં 4.50 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને તો હાલાકીનો સામનો કરવો પડ્યો જ છે. આ સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.

ધોધમાર વરસાદ પડવાને કારણે સુરતના લિંબાયતના રાજુનગર પોલીસ ચોકીની સામે આશાનગર જુપડપટ્ટીમાં પાણી ભરાયા છે. જેથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. લોકોનું બહાર જવુ પણ મુશ્કેલ બન્યું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયુ છે. આમ તો અમુક જિલ્લામાં વરસાદની વિદાય થઇ છે પણ બંગાળની ખાડી પર સર્જાવા જઇ રહેલી આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે આમ તો ચોમાસું વિદાય લઇ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પણ હજું પણ ભેજવાળા પવન આવી રહ્યા છે જેથી ચોમાસુ સ્થિર થઇ ગયું છે અને અટકી ગયું છે. છેલ્લા 2 દિવસથી બંગાળની ખાડીની અસ્થિરતાથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે અને 22 સપ્ટેમ્બર સુધી આ છુટોછવાયો વરસાદ પડશે.

જો કે તેમણે આગાહી કરતાં કહ્યું છે કે 22 તારીખથી નવરાત્રિમાં શરુઆતમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે પણ નવરાત્રિમાં છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીનું આ સર્ક્યુલેશન આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાત તરફ પસાર થશે. જો આ ટ્રેકમાં ફેરફાર નહી થાય તો 28થી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં ચોમાસાની વિદાય હવે લેટ થશે અને ચોમાસું સ્થિર થઇ જશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજું પણ ચોમાસુ સક્રિય છે. આ સિસ્ટમ 50 ટકા ગુજરાતના વિસ્તારોમાં અસર પડશે. આ વરસાદમાં ગાજવીજ અને પવન પણ વધારે હશે. લગભગ 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતીઓ અને ખેડુતોને નુકશાન થઇ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. નવરાત્રીની શરૂઆતમાં જ હવામાનમાં પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલના એંધાણ છે.

Related Posts