અમરેલી

‘પરંપરા, પ્રગતિ અને આત્મનિર્ભરતા’ એક સાથે અમરેલીના સરસ મેળામાં

 ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન થકી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશ વિકસિત બની શકે છે. સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વોકલ ફોર લોકલ”નું સૂત્ર આપ્યું છે.

અમરેલી સ્થિત ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તા. ૨૮ સપ્ટેમ્બર,૨૦૨૫ સુધી ‘પ્રાદેશિક સરસ મેળા’નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ‘પરંપરા, પ્રગતિ અને આત્મનિર્ભરતા’  એક સાથે અમરેલીના સરસ મેળામાં જોવા મળી રહી છે.

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ‘સરસ મેળો-૨૦૨૫’ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના પત્રકારશ્રીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાદેશિક સખી મેળાના આયોજન વિશે વિગતે માહિતી પુરી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ યોજના) હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથ અને સખી મંડળોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે.

ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે અમરેલી ખાતે ૧૦ દિવસીય પ્રાદેશિક સખી મેળાનો પ્રારંભ તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૫૮ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

આ મેળામાં હેન્ડીક્રાફ્ટના કુલ ૧૦ સ્ટોલ છે, જેમાં મોતીકામની બનાવટ જેમ કે, તોરણ, ઝુમર, પર્સ, ઊનના રૂમાલ અને ઊનની બનાવટની વિવિધ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. હેન્ડલુમના કુલ ૮ સ્ટોલ છે જેમાં આસન, પગલુંછણીયા, ડ્રેસ મટીરિયલ, સાડી, ચણીયા ચોળી, ભરતકામ વાળી કોટી વગેરે વસ્તુઓ ઉપલબ્ધ છે. પૂજા સામગ્રીના કુલ ૬ સ્ટોલ છે જેમાં અગરબત્તી, ધૂપ, કંકુ, માાતાજીની વિવિધ ભાતવાળી ચૂંદડી, મોતીના હાર, માળા, શ્રી કૃષ્ણના વાદ્ય સહિતની ચીજવસ્તુઓ સામેલ છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ચીજ વસ્તુઓ માટે કુલ ૫  સ્ટોલ છે. માટીકામ, આયુર્વેદિક દવાઓ, હેલ્થ અને હાઈજીન, ફૂટવેર, ઈમિટેશન જ્વેલરી, વિવિધ ખાદ્યવસ્તુઓના સ્ટોલ છે. મુલાકાતીઓ આ તમામ સ્ટોલની મુલાકાત લઈને ગમતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પણ કરી શકે છે. 

આ મેળામાં વિવિધ સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલ બહેનોએ મેળાના શુભારંભથી આજદિન સુધીમાં કુલ રૂ. ૨૧ લાખથી વધુની વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કર્યું છે. અમરેલીના નાગરિકો દ્વારા પ્રાદેશિક સરસ મેળાને બહોળો લોકપ્રતિસાદ મળી રહ્યો છે. વિવિધ સ્વ-સહાય જૂથની બહેનો પગભર થઈને આર્થિક રીતે ઉન્નતી તરફ આગળ ધપી રહી છે.

પત્રકાર પરિષદના માધ્યમથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ જિલ્લાના નાગરિકોને પ્રાદેશિક સરસ મેળામાં મુલાકાત લેવા અને વિવિધ હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related Posts