અમરેલી

સાવરકુંડલા શહેરમાં ચિલ્લર અર્થાત પરચુરણની ભારે અછત..

સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચિલ્લર અર્થાત્ પરચુરણની ભારે અછત જોવા મળે છે. એક તો દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. લોકો પણ હવે વિવિધ ખરીદીઓ માટે તૈયાર હોય ત્યારે છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા શહેરમાં ચિલ્લરની ભારે અછત પ્રવર્તી રહી છે. વેપારીઓ પરેશાન.. ગ્રાહકો માટે પણ માથાના દુખાવા સમાન આ પરચુરણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા યુધ્ધના ધોરણે પ્રયાસ કરવો જોઈએ. ધારી અને બાબરા ખાતે કરન્સી ચેસ્ટ છે. પરંતુ સાવરકુંડલા શહેર એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં કરન્સી ચેસ્ટ નહી હોવાનું પણ બહાર આવ્યું છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરની રાષ્ટ્રીય કૃત બેંકને પણ કરન્સી ચેસ્ટ મળે તે માટે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી, અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાએ આ સંદર્ભે આરબીઆઈને કરન્સી ચેસ્ટ અંગે એક લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.

સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ સંદર્ભ વેપારી જગત, ગ્રાહકવર્ગ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ તથા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સાથે આ સંદર્ભે વિચાર વિમર્શ કરીને રાષ્ટ્રીય કૃત બેંક દ્વારા વહેલી તકે રૂપિયા એક, બે, પાંચ તથા દસના સિક્કા અને દસ અને વીશ રૂપિયાની નવી નોટોનું વિતરણ વહેલી તકે થાય એવા પ્રયાસો કર્યા છે.

હવે વાત કરીએ પરચુરણ અછતની તો અમુક વેપારીઓ તો વટાવ આપીને પણ જયાત્યાંથી ગ્રાહકોની સગવડતા માટે પરચુરણની વ્યવસ્થા કરે છે તો અમુક વેપારીઓ રાઉન્ડ ફિગરમાં માલ વેચાણ કરવા મજબૂર બને છે. તો અમુક વેપારીઓ બિલના કુલ ટોટલના બે ત્રણ રૂપિયા જતા કરે છે અને પોતાને  આર્થિક નુકસાની વેઠવાનો વારો પણ આવે છે. તો ઘણી વખત ગ્રાહકોને પણ એકબે રૂપિયા જતાં કરવા પડે અથવા પોતાને જરૂરી ન હોય તેવી ચીજવસ્તુઓ ખરીદવી પડે છે. એકંદરે પરચુરણની અછતથી વેપારી પણ પરેશાન છે અને ગ્રાહકો પણ પરેશાન છે. ખાસકરીને હોલસેલના ધંધામાં તો બે ચાર રૂપિયા જતાં કરે તો દુકાનદારને એકંદરે ખોટ પણ સહન કરવી પડતી હોય છે. આમ પરચુરણની અછત સમગ્ર સમાજ માટે શાપરૂપ જ ગણાય. આ સમસ્યાનું નિરાકરણ યુધ્ધના ધોરણે થાય તેવું સાવરકુંડલાના વેપારીઓ અને ગ્રાહકો ઈચ્છી રહ્યા છે. અમુક વેપારીઓના મંતવ્ય મુજબ રોજના પરચુરણની અછતને લીધે એકંદરે વેપારીઓને  અને ગ્રાહકોને આર્થિક રીતે સહન કરવાનો વારો આવે છે. આમ તો પરચુરણ વિતરણ સંદર્ભે પણ આગોતરું આયોજન કરવું જોઈએ. પરંતુ અમલદારોની દુનિયામાં ફાઈલો આમ થી તેમ ફંગોળાતી હોય છે. આ સંદર્ભ આ સમસ્યાનું નિરાકરણ એક બે દિવસમાં જ આવે એવું વેપારી વર્ગ ઈચ્છે છે.

Related Posts