‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરશે. ત્યારે પ્રથમ દિવસે ૦૭ ઓક્ટોબરના રોજ લાઠી તાલુકાના કાચરડી મુકામે ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું અને લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના વિકાસમાં ઉમેરો કરતા અંદાજિત રૂ. ૦૫ લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ અને અંદાજિત રૂ. ૧૮ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને સીધો લાભ વિતરણ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિદિન ૦૩ ગામમાં વિકાસ રથનું આગમન થશે. વિકાસ રથ સાથે ગ્રામવિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે.
કાચરડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી ઘનશ્યામભાઈ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી માંજરીયા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પડસાળા તેમજ વિવિધ વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments